ભારતના એક એકાઉન્ટ પરની ફેક પોસ્ટથી યુએસ -ઇઝરાયલમાં મચી ગયો ખળભળાટ
ઈરાને પરમાણુ બોમ્બ બનાવવાની કબૂલાત કરી હોવાનો ખોટો દાવો નેતન્યાહૂના ભાષણ સુધી પહોંચ્યો
ટ્રમ્પ ટીમના અધિકારીઓએ પણ શેર કર્યો, મીડિયાએ સમાચાર આપ્યા,બાદમાં પોસ્ટ હટાવવી પડી
ઈરાન-ઇઝરાયલ સંઘર્ષ દરમિયાન સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતી કેટલી ઝડપથી વૈશ્વિક રાજકારણને પ્રભાવિત કરી શકે છે તેનો ચોંકાવનારો દાખલો સામે આવ્યો છે. ભારતના એક અનામી X એકાઉન્ટ પરથી ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડર બ્રિગેડિયર જનરલ અહમદ વહીદીએ પરમાણુ હથિયારો અંગે કથિત નિવેદન આપ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે આવા કોઈ નિવેદનના પુરાવા નહોતા અને ઈરાને પરમાણુ બોમ્બ બનાવ્યો હોવાનો પણ કોઈ પુરાવો ઉપલબ્ધ નથી.
તેમ છતાં આ પોસ્ટ કલાકોમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. ઇઝરાયલના અનેક એકાઉન્ટ્સે તેને શેર કરી અને કેટલાક મીડિયા પ્લેટફોર્મ્સે તેને ઈરાનની ‘ખુલ્લી કબૂલાત’ તરીકે રજૂ કરી. મામલો એટલો આગળ વધ્યો કે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ જાહેર ભાષણમાં આ દાવાનો ઉલ્લેખ કર્યો.
અમેરિકામાં પણ આ પોસ્ટ ફટાફટ વાયરલ થવા લાગી. સંયુક્ત રાષ્ટ્રમાં ટ્રમ્પ પ્રશાસનના રાજદૂત માઈક વૉલ્ટ્ઝે તેને શેર કરીને ઈરાનના ‘ ખોફનાક ‘ ઇરાદા અંગે ટિપ્પણી કરી હતી. ફ્લોરિડાના સેનેટર રિક સ્કોટે પણ પોસ્ટને આગળ ધપાવી , એટલું જ નહીં કેટલાક અમેરિકન મીડિયા પ્લેટફોર્મ્સે પણ તેને સ્થાન આપ્યું .
પછી દાવાની સત્યતા અંગે સવાલો ઊભા થતાં માઈક વૉલ્ટ્ઝે પોતાની પોસ્ટ કોઈ સ્પષ્ટતા વગર હટાવી દીધી. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઈલ બઘાઈએ સમગ્ર ઘટનાને ‘ઈસ્લામિક રિપબ્લિક વિરુદ્ધ ફેલાવવામાં આવતી ખોટી વાતોનું ઉદાહરણ’ ગણાવ્યું હતું.
આ પણ વાંચો: રાજસ્થાનની શાળાઓમાં બહારના લોકો માટે પ્રવેશબંધીનું ફરમાન જારી
આ ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે સોશિયલ મીડિયા પરની એક અપ્રમાણિત પોસ્ટ સરહદો, ભાષાઓ અને દેશોની સીમાઓ પાર કરીને થોડા જ કલાકોમાં વૈશ્વિક રાજકીય ચર્ચાનો ભાગ બની શકે છે અને તેની અસર ઉચ્ચ સ્તરના રાજકીય નિવેદનો સુધી પહોંચી શકે છે.
ભારતથી નેતન્યાહૂ સુધી… ફેક ન્યૂઝની સફર
5 ઓગસ્ટની સવારે ભારતના એક અનામી X એકાઉન્ટે ઈરાન અંગેનો કથિત દાવો પોસ્ટ કર્યો
પોસ્ટ સાથે અહમદ વહીદીનો ફોટો અને AI-જનરેટેડ મશરૂમ ક્લાઉડની તસવીર જોડાઈ
અંદાજે બે કલાકમાં બીજા ભારતીય એકાઉન્ટે તેનો હિન્દી અનુવાદ શેર કર્યો
ત્યારબાદ ઇઝરાયલના ‘મોસાદ કોમેન્ટરી’ નામના એકાઉન્ટે એ પોસ્ટ શેર કરી
ઇઝરાયલની ચેનલ-14એ દાવાને અંગ્રેજીમાં પ્રસારિત કર્યો
યાયર નેતન્યાહૂ (વડાપ્રધાનના પુત્ર)એ પોસ્ટને એમ્પ્લિફાય કરી
ત્રણ કલાક બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેમના ભાષણમાં ઉલ્લેખ કર્યો
અમેરિકાના યુએન રાજદૂત માઈક વૉલ્ટ્ઝ અને સેનેટર રિક સ્કોટે પણ પોસ્ટ શેર કરી
સત્યતા અંગે પ્રશ્નો ઊઠતા માઈક વૉલ્ટ્ઝે પોતાની પોસ્ટ હટાવી દીધી
