EDના દસ્તાવેજો અને ‘પાર્ટી ફંડ’ના આક્ષેપોથી હચમચ્યું તમિલનાડુ ગૃહ
રાજકીય ગલિયારામાં ક્યારે શું થાય તે કોઈ કહી શકતું નથી. લોકશાહીના મંદિરમાં જનતાના પ્રશ્નો ઉકેલાવા જોઈએ, પરંતુ જ્યારે સત્તા અને વિપક્ષ આમને-સામને આવે ત્યારે વિધાનસભાનું મંચ અડ્ડામાં ફેરવાઈ જતું હોય છે. તાજેતરમાં તમિલનાડુ વિધાનસભામાંથી કંઈક આવા જ ચોંકાવનારા અને હચમચાવી દેનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં મુખ્ય પ્રધાનના એક જ ભાષણે રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે અને વિપક્ષી ધારાસભ્યોને માર્શલો દ્વારા ટિંગાટોળી કરીને બહાર કાઢવા પડ્યા છે.
મુખ્ય પ્રધાનના ગંભીર આક્ષેપો અને EDના દસ્તાવેજો
વિવાદની શરૂઆત મુખ્ય પ્રધાન વિજયના એક વિસ્ફોટક ભાષણથી થઈ હતી. તેમણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરિટી (ED) ના સત્તાવાર દસ્તાવેજોને ટાંકીને અગાઉના DMK શાસન સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂક્યા હતા. મુખ્ય પ્રધાને દાવો કર્યો હતો કે અગાઉની સરકાર દરમિયાન મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન એન્ડ વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટના કોન્ટ્રાક્ટરો પાસેથી 7.5 થી 10 ટકા સુધીની રકમ ‘પાર્ટી ફંડ’ના નામે ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવતી હતી. આ ઉપરાંત, વીરનમ પાણી યોજના સાથે જોડાયેલા સરકારી આયોગના અહેવાલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેના કારણે ગૃહમાં ગરમાગરમી વધી ગઈ હતી. રાજ્યના કાયદા પ્રધાન આર નિર્મલ કુમારે પણ આ તમામ નિવેદનોને સત્તાવાર દસ્તાવેજો પર આધારિત ગણાવીને સમર્થન આપ્યું હતું.
આ પણ વાંચો: રોજ 0.30% વળતરની લાલચ અને ડમી કંપનીઓથી 634 કરોડની ઠગાઈ આચારનાર 6 આરોપી ઝડપાયા
અધ્યક્ષ દ્વારા વિપક્ષી માંગ ફગાવી દેવાઈ
મુખ્ય પ્રધાનના આ પ્રહાર બાદ DMK શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને આવી ગયા હતા. DMKના વ્હીપ ઈવી વેલુએ આ તમામ ટિપ્પણીઓને વિધાનસભાના નિયમોની વિરુદ્ધ ગણાવીને તુરંત જ રેકોર્ડમાંથી હટાવવાની માંગણી કરી હતી. જોકે, વિધાનસભાના અધ્યક્ષ જેસીડી પ્રભાકરે વિપક્ષની આ માંગને ફગાવી દીધી હતી. અધ્યક્ષનું સ્પષ્ટ કહેવું હતું કે મુખ્ય પ્રધાને માત્ર સાર્વજનિક ક્ષેત્રમાં પહેલેથી જ ઉપલબ્ધ અને સરકારી દસ્તાવેજોમાં નોંધાયેલી માહિતી રજૂ કરી છે, તેથી તેમાં નિયમભંગ જેવું કશું જ નથી અને તેને રેકોર્ડમાંથી હટાવવાની કોઈ જ આવશ્યકતા નથી.
માર્શલો દ્વારા વિધાન સભ્યોની ગૃહમાંથી હકાલપટ્ટી
અધ્યક્ષના નિર્ણયથી વિપક્ષી નેતાઓ વધુ રોષે ભરાયા હતા. DMKના વિધાન સભ્યો પોતાની બેઠકો પરથી ઉભા થઈને પોડિયમની નજીક આવી ગયા હતા અને જોરશોરથી સરકાર વિરોધી સૂત્રોસ્ચાર શરૂ કર્યા હતા તેમજ મંજૂરી વગરના પ્લેકાર્ડ્સ પણ પ્રદર્શિત કર્યા હતા. ગૃહના નેતા કેએ સેંગોટ્ટાઈયનની ભલામણ અને વારંવારની ચેતવણીઓ છતાં જ્યારે વિરોધ શાંત થવાનું નામ ન લીધું, ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અધ્યક્ષે કડક પગલું ભરવું પડ્યું હતું. તેમણે માર્શલોને આદેશ આપીને ગૃહમાં હોબાળો મચાવનાર તમામ DMK વિધાન સભ્યોને ટિંગાટોળી કરીને ગૃહમાંથી બહાર ખદેડી મૂક્યા હતા. કાર્યવાહી દરમિયાન પણ વિધાન સભ્યો બહાર જતા-જતા સરકાર વિરોધી નારેબાજી ચાલુ રાખી હતી.
તમિલનાડુ વિધાનસભાની આ ઘટના લોકશાહીના ઇતિહાસમાં એક કાળો અધ્યાય કે પછી પારદર્શિતા તરફનું પગલું – તે તો સમય જ કહેશે, પરંતુ આ પ્રકારના દ્રશ્યો રાજકીય અસ્થિરતા અને ભ્રષ્ટાચારના મુદ્દે ગરમાતી રાજનીતિની સ્પષ્ટ ઝાંખી કરાવે છે. જ્યારે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો પુરાવા સાથે સદનમાં મૂકવામાં આવે ત્યારે શાસક અને વિપક્ષ વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચતો હોય છે, જે આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે.
