આંધ્રમાં મુસ્લિમોની અનામતને ઊની આંચ નહીં આવવા દઉં: ચંદ્રાબાબુ નાયડુની ગેરંટી
હજ માટે એક લાખ,પાંચ લાખની વ્યાજમુક્ત લોન અને મસ્જિદોને મહિને 5 હજાર આપવાનો વાયદો
કોંગ્રેસ ઓબીસીના અનામત ક્વોટામાંથી મુસ્લિમોને અનામત આપવા માંગે છે એવો પ્રચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર કરી રહ્યા છે ત્યારે જ આંધ્રમાં તેમણે જેની સાથે ગઠબંધન કર્યું છે એ ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુએ મુસ્લિમોને મળતી અનામત પ્રથા જાળવી રાખવાનું વચન આપ્યું છે.
હજુ થોડા દિવસ પહેલા જ તેલંગણામાં વડાપ્રધાન મોદીએ આ મુદ્દો ઉપાડ્યો હતો અને કહ્યું હતું કે,’ આદિવાસીઓ, દલિતો અને ઓબીસીના અનામત ક્વોટામાંથી ધર્મના આધારે હું જીવતો છું ત્યાં સુધી મુસ્લિમોને અનામત નહીં આપવા દઉં’.
જોકે તેના બે દિવસ બાદ જ તેલંગાણાના પાડોશી રાજ્ય આંધ્રમાં ચંદ્રબાબુ નાયડુએ ઓબીસી ક્વોટામાંથી મુસ્લિમોને આપવામાં આવેલ ચાર ટકા અનામત જાળવી રાખવાનો વાયદો દોહરાવ્યો હતો. ગુંટુર ખાતેની સભામાં તેમણે મુસ્લિમોને હજ માટે એક લાખની સહાય ઉપરાંત માઇનોરીટી ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા પાંચ લાખની વ્યાજમુક્ત લોન આપવાનો પણ વાયદો કર્યો હતો. 2011 ની વસ્તી ગણતરી મુજબ આંધ્રમાં મુસ્લિમોની સંખ્યા 9.11% છે. તેને રિઝવવા માટે ચંદ્રાબાબુ નાયડુ વરસી પડ્યા હતા. આંધ્રની તમામ મસ્જિદોને મેન્ટેનન્સ ખર્ચ તરીકે દર મહિને 5000 રૂપિયા આપવાનું તેમજ મુસ્લિમો માટે નૂર બાશા કોર્પોરેશનની સ્થાપના કરી દર વર્ષે 100 કરોડનું ભંડોળ આપવાનું પણ તેમણે વચન આપ્યું હતું.
બોક્સ
આંધ્રમાં ભાજપ – ટીડીપી ગઠબંધન
આંધ્રમાં ટીડીપી ભાજપ અને પવન કલ્યાણ ની પાર્ટી જનસેનાનું ગઠબંધન છે. હૈદરાબાદ 13મી તારીખે લોકસભા અને ધારાસભાની એક સાથે ચૂંટણી યોજાશે.
ધારાસભાની 175 બેઠકોમાંથી ટીડીપી 144, જનસેના પાર્ટી 10,અને ભાજપ 21 બેઠકો પર ચૂંટણી લડશે. લોકસભાની 25 બેઠકમાંથી ટીડીપી 17, ભાજપ 6 અને જેએસપી 2 બેઠકો પર લડશે.