બંગાળના મુખ્યમંત્રીની હત્યાનું કાવતરું; જૈશનો આતંકી ઝડપાયો
ઝારખંડથી આતંકીની પ્રેમિકા પણ પકડાઈ ; પૂછતાછમા મોટા ખુલાસા થઈ શકે છે; અન્ય કેટલાક લોકોની પણ તપાસ
પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સએ એક મોટી કાર્યવાહીમાં આતંકી જુથ જૈશ સાથે સંકળાયેલા એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીની ઓળખ હામીદ મંડલ તરીકે થઈ છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, તે કાશ્મીરમાં સક્રિય સજ્જાદ ભટ્ટ સંગઠન સાથે સંકળાયેલો હોવાનું કહેવાય છે, જે 2019ના પુલવામા આતંકી હુમલાના કથિત મુખ્ય કાવતરાખોરોમાંથી એક માનવામાં આવે છે.
મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની હત્યાના કાવતરા સાથે સંબંધિત તપાસ દરમિયાન STFની કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓનો દાવો છે કે મંડલ આતંકવાદી નેટવર્કનો છે અને તે જૈશ સાથે જોડાયેલો છે. તેની પ્રેમિકા અર્પિતા પણ પકડાઈ છે.
આ પણ વાંચો: 85% ઇથેનોલ પર ચાલતા 157cc એન્જિનથી સજ્જ, હોન્ડાએ તેનું ADV160 મેક્સી-સ્કૂટર રજૂ કર્યું
આરોપીની પશ્ચિમ બંગાળના બર્ધમાન રેનેસાં હાઉસિંગ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ બાદ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેના સંપર્કો અને ગતિવિધિઓની તપાસ કરવામાં આવી રહી છે. STFનું કહેવું છે કે મંડલ પર મુખ્યમંત્રી શુભેંદુ અધિકારી પર હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ છે. તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ કથિત ષડયંત્રમાં અન્ય કોણ કોણ સામેલ હોઈ શકે અને આરોપીના કયા સ્તર સુધી આતંકવાદી સંગઠનો સાથે સંબંધો હતા.
દરમિયાનમાં બંગાળ એસટીએફે બંગાળના વર્ધમાનના આતંકવાદી મોહમ્મદ હમીદના સંબંધી અને કથિત પ્રેમિકાની ઝારખંડના સાહિબગંજ જિલ્લાના બરહડવાથી ધરપકડ કરી છે. અર્પિતા બરહડવાના કરેલા ગામના રહેવાસી સુજીત સરકારની પુત્રી છે.
આતંકીની પ્રેમિકા રેકી કરીને બધા પર નજર રાખતી હતી
એવું કહેવાય છે કે આતંકીની પ્રમિકા અર્પિતા લગભગ ચાર વર્ષ પહેલાં ઇન્ટરનેટ મીડિયા દ્વારા મોહમ્મદ હમીદના સંપર્કમાં આવી હતી.તે હામીદે આપેલા સૂચનોનું પાલન કરતી હતી. આમાં કોઈને હની ટ્રેપમાં ફસાવવા, મોબાઇલ નંબર એકત્રિત કરવા, ઘર કે વ્યક્તિનો ફોટો એકત્રિત કરવા, રેકી કરવા વગેરેનો સમાવેશ થાય છે. બંનેને પૂછતાછમા અનેક રહસ્યો ખૂલે તેવી શક્યતા છે. હજુ પણ અન્ય કેટલાકની ધરપકડ થઈ શકે છે.
