સ્વાતિ માલિવાલ પર હુમલા અંગે એક્શન : જાણો કોની થઈ ધરપકડ ?
લોકસભાની ચુંટણી વચ્ચે જ દિલ્હીમાં સીએમ હાઉસમાં સ્વાતિ માલીવાલ સાથે થયેલી મારપીટના મુદ્દે હવે દેશભરમાં ચર્ચા જાગી છે અને રાજકીય દંગલ વચ્ચે અંતે સીએમ હાઉસે ધસી જઈને મુખ્યમંત્રી કેજરીવાલના પીએ વિભવ કુમારની દિલ્હી પોલીસ દ્વારા શનિવારે ધરપકડ કરી લેવામાં આવી હતી.
સીએમ હાઉસમાં ઘૂસીને પોલીસે પકડ્યો: સ્વાતિનો વધુ એક વિડીયો સામે આવતા ચર્ચા: ભાજપે હુમલા વધાર્યા
વિભવ વ કુમારને પકડીને સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવ્યા હતા. અહીં તેની પૂછપરછ થઈ હતી. બીજી બાજુ આપ દ્વારા સામે આરોપો મૂકવામાં આવી રહ્યા છે અને આ મામલો હવે વધુ ગરમ બની ગયો છે. ભાજપે સખત પગલાંની માંગ કરી છે.
સ્વાતિ માલીવાલે વિભવ કુમાર પર 13 મેના રોજ મુખ્યમંત્રી હાઉસમાં તેની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. સ્વાતિની ફરિયાદ પર, દિલ્હી પોલીસે ગુરુવારે આ સંબંધમાં આરોપી બિભવ કુમાર વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. ત્યારથી દિલ્હી પોલીસની ઘણી ટીમો કુમારને શોધી રહી હતી.
રાજ્યસભા સાંસદ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆરમાં વિભવ કુમાર પર ઘણા ગંભીર અને સનસનાટીભર્યા આરોપો લગાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની એફઆઈઆર મુજબ, બિભવ કુમારે કથિત રીતે સ્વાતિ માલીવાલને ઘણી વખત લાત અને થપ્પડ મારી હતી. સ્વાતિ માલીવાલે બિભવ પર જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ પણ લગાવ્યો છે.
સ્વાતિનો વધુ એક વિડીયોની ચર્ચા
દરમિયાનમાં આ બારામાં શનિવારે વધુ એક વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્વાતિ માલીવાલને મહિલા ગાર્ડ સીએમ નિવાસની બહાર લઇને આવે છે. આ દરમિયાન તે મહિલા સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટકતાં પણ દેખાય છે. વીડિયો જોતાં ફરી અનેક તર્કવિતર્ક થવા લાગ્યા છે. આ વીડિયો મુખ્યમંત્રી નિવાસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજથી લેવાયો હતો. આ વીડિયો હવે જાહેર કરી દેવામાં આવ્યો હતો.
સીએમ હાઉસ ગુંડાઓનો અડ્ડો: ભાજપ
આ મામલે રાજકીય જંગ તીવ્ર બની ગયો હતો અને વિભવ કુમારની ધરપકડ બાદ ભાજપ દ્વારા આપ પર અને દિલ્હી સરકાર પર હુમલો કરવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓએ આ બારામાં એમ કહ્યું હતું કે સીએમ હાઉસ હવે ગૂંડાઓનો અડ્ડો બની ગયું છે. આ ઘટનામાં જેટલા લોકો સંડોવાયેલા છે બધા સામે સખત એક્શન લેવા જોઈએ .