દેશમાં અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના પંજાબમાં સામે આવી છે જેમાં કેદારનાથ જતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડતા 2 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે જયારે 15થી વધુ ઈજાગ્રસ્ત છે, આ સમાચાર સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે આ મામલે પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના પંજાબના લુધિયાણાના સમરાલા નજીક ચેહલાણ ગામની છે જ્યાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. ચેહલાણ ગામમાં બુધવારે સવારે સવારે ભક્તોથી ભરેલી પ્રવાસી બસ હાઈવે પર પાર્ક કરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી. બસ એટલી જોરથી ટકરાઈ કે બે મહિલા શ્રદ્ધાળુઓનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. 15 લોકો ઘાયલ થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અકસ્માતમાં બે મહિલાઓના મોત થયા હતા
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને બસમાંથી બહાર કાઢ્યા હતા. આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મૃતકોની ઓળખ મીનાક્ષી (ઉ.વ 51) અને સરોજ બાલા (ઉ.વ 54) તરીકે થઈ છે, જે મધ્યપ્રદેશના ઈન્દોરના રહેવાસી છે.
ભક્તો કેદારનાથ ધામના દર્શન કરવા નીકળ્યા હતા
ઈન્દોરના રહેવાસી ઋષભે જણાવ્યું કે બસમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો ખેડૂત પરિવારના છે. તમામ પ્રવાસીઓ ધાર્મિક યાત્રાધામોની મુલાકાત લેવા બસમાં બેસી ગયા હતા. તેઓ કેદારનાથ ધામના દર્શન કરવા મંગળવારે રાત્રે હરિદ્વારથી અમૃતસર જવા રવાના થયા હતા.
હાઈવે પર પાર્ક કરેલી ટ્રોલી સાથે બસ અથડાઈ
જ્યારે તેઓ બુધવારે સવારે 5.30 વાગ્યાની આસપાસ લુધિયાણા પહોંચ્યા ત્યારે ચેહલાન ગામ પાસે હાઈવે પર પાર્ક કરેલી તૂટેલી ટ્રોલી સાથે બસ અથડાઈ હતી. આ પછી બસમાં હાજર લોકો બૂમો પાડવા લાગ્યા. અકસ્માતની જાણ થતાં જ આસપાસના ગામોના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓએ લોહીથી લથપથ ભક્તોને બહાર કાઢ્યા. આ પછી એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોની મદદથી તેમને સમરાલાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટરોએ મીનાક્ષી અને સરોજ બાલાને મૃત જાહેર કર્યા.