ઓવૈસી કેમ મુકાયા મુશ્કેલીમાં ? ક્યાંય થઈ ફરિયાદ ? જુઓ
એઆઈએમઆઈએના નેતા અસદુદ્દીન ઓવૈસીનું સાંસદપદ જોખમમાં આવી ગયું છે. મંગળવારે લોકસભાના સભ્ય તરીકે શપથ ગ્રહણ દરમિયાન ‘જય પેલેસ્ટાઈન’ના નારા લગાવનારા હૈદરાબાદના સાંસદ ઓવૈસીની સદસ્યતા રદ કરવા અંગે રાષ્ટ્રપતિને ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના વકીલે ઓવૈસી વિરુદ્ધ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ફરિયાદ કરી છે. સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિષ્ણુ શંકર જૈને મંગળવારે મોડી રાત્રે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમના પિતા અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ હરિ શંકર જૈને આ ફરિયાદ દાખલ કરી છે.
એડવોકેટ વિષ્ણુ શંકર જૈને X પર લખ્યું, ‘શંકર જૈને રાષ્ટ્રપતિ સમક્ષ બંધારણના અનુચ્છેદ 102 અને 103 હેઠળ ફરિયાદ દાખલ કરી છે અને તેમને સંસદ સભ્ય તરીકે અયોગ્ય ઠેરવવાની માંગ કરી છે.’ ઇત્તેહાદુલ મુસલમીનના નેતા ઓવૈસીએ મંગળવારે લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા બાદ યુદ્ધગ્રસ્ત પશ્ચિમ એશિયાઈ ક્ષેત્રની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના પગલે શાસક પક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો અને અધ્યક્ષે તેને સંસદના રેકોર્ડમાંથી હટાવવાનો નિર્દેશ આપ્યો હતો.