છરીના 27 ઘા – તેલંગાણામાં 16 વર્ષના વિદ્યાર્થીએ કરી આચાર્યાની ઘાતકી હત્યા
ચોરીના ઇરાદે ઘરમાં ઘૂસ્યો, ઓળખ છતી થતાં વેતરી નાખ્યા
તેલંગાણાના નાલગોંડા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટનામાં ધોરણ-10ના 16 વર્ષીય વિદ્યાર્થીએ પોતાની શાળાની આચાર્યા કલ્લુ રૂપા રેડ્ડીની છરીના 27 ઘા મારી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલતાં સમાજ સ્તબ્ધ થઇ ગયો છે. શરૂઆતમાં લૂંટ અને હત્યાના આ બનાવે પોલીસને પણ મૂંઝવણમાં મૂકી દીધા હતા, પરંતુ અનેક દિવસની તપાસ બાદ બે સગીર વિદ્યાર્થીઓની સંડોવણી સામે આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિદ્યાર્થી શાળાની હોસ્ટેલમાં રહેતો હતો. થોડા સમય પહેલાં આચાર્યાએ તેની બેગમાંથી રોકડ અને મોબાઇલ ફોન મળી આવતાં તેને હોસ્ટેલ ખાલી કરવા કહ્યું હતું. ત્યારથી તે આચાર્યા પ્રત્યે મનમાં રોષ રાખતો હતો. દારૂ પીવાની ટેવ અને બાઇક ખરીદવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીએ આચાર્યાના ઘરે ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. તેને ખબર હતી કે દર મહિનાની 10મી તારીખ આસપાસ ફીની રકમ તરીકે ઘરમાં રોકડ રહેતી હોય છે.
તપાસમાં ખુલ્યા મુજબ 11 ઓગસ્ટની સાંજે એક વિદ્યાર્થી દીવાલ કૂદીને ઘરમાં પ્રવેશ્યો હતો જ્યારે બીજો બહાર નજર રાખતો હતો. ઘરમાંથી આશરે રૂ. 2.50 લાખની રોકડ લઈને તે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે ઘરમાં એકલી રહેલી રૂપા રેડ્ડીએ તેને જોઈ લેતાં તેણે આચાર્યા પર છરી વડે એક પછી એક 27 ઘા ઝીંક્યા હતા. હત્યા કર્યા બાદ તેણે તેમનો મોબાઇલ ફોન પણ લઈ લીધો અને બંને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસે ફોરેન્સિક પુરાવા, ફિંગરપ્રિન્ટ, ડોગ સ્ક્વોડ અને 70થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ શરૂ કરી હતી. અંતે સગીર વિદ્યાર્થીઓની હરકતો અને તેમની અચાનક વધેલી ખર્ચાળ જીવનશૈલી પરથી શંકા મજબૂત બની હતી.
આ પણ વાંચો: “મારી જવાની અને મારા શયનખંડના સ્વપ્ન જોવાનું બાબાજી , બંધ કરો..”
પોલીસે બંને વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા ત્યારે મુખ્ય આરોપી પાસેથી રૂ. 1.54 લાખ રોકડ અને એક આઇફોન મળી આવ્યો હતો. રોકડ પર લોહીના ડાઘ મળતાં તપાસને મહત્વની દિશા મળી હતી. પૂછપરછ દરમિયાન બંનેએ ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે હત્યામાં વપરાયેલી વસ્તુઓ અને મૃતકનો મોબાઇલ પણ કબજે કર્યો છે.
‘બાબુ’ શબ્દ ઉપરથી ભેદ ખુલ્યો…
તપાસ દરમિયાન પોલીસને મહત્વની કડી ત્યારે મળી જ્યારે રૂપા રેડ્ડીની એક સંબંધી મહિલાએ જણાવ્યું કે ફોન પરની છેલ્લી વાતચીત દરમિયાન તેમણે કોઈને “બાબુ” કહીને સંબોધન કર્યું હતું. ફોન ત્યારબાદ તરત જ બંધ થઈ ગયો હતો. સામાન્ય રીતે શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને “બાબુ” કહીને બોલાવતા હોવાથી પોલીસે શાળાના વિદ્યાર્થીઓ તરફ તપાસનું નાળચું ફેરવ્યું હતું. ત્યારબાદ ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી અને તેમાંના બે વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસોથી અચાનક પૈસા ઉડાવતા હોવાનું જાણવા મળતાં આખરે હત્યાકાંડનો ભેદ ઉકેલાયો હતો.
રીઢા ગુનેગારો જેવું પ્લાનિંગ…
પોલીસના જણાવ્યા મુજબ બંને સગીરોએ ગુનાની તૈયારી વ્યાવસાયિક ગુનેગારોની જેમ કરી હતી. તેમણે પાંચ દિવસ સુધી આચાર્યાના ઘરની રેકી કરી, હાથમોજાં ખરીદ્યાં, ઓળખ છુપાવવા માટે મંકી કેપની વ્યવસ્થા કરી અને છરી પણ અગાઉથી મેળવી રાખી હતી. ઘટનાના દિવસે એક વિદ્યાર્થી ઘરમાં ઘૂસ્યો હતો જ્યારે બીજો બહાર ચોકીદારી કરતો હતો. હત્યા બાદ બંનેએ લોહીથી ખરડાયેલા કપડાં અને મંકી કેપ જમીનમાં દાટી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ ગુના પહેલાં તેમણે ઝડપથી પૈસા કમાવવાના રસ્તા અંગેના વીડિયો પણ જોયા હતા.
