યુપીમાં બ્રહ્મકુમારી આશ્રમમાં બે બહેનો સાથે શું બન્યું ? વાંચો…
સુસાઇડ નોટ મળી જેમાં 4 કર્મચારીઓને આસારામ જેવી સજા આપવાની અપીલ કરી
ઊત્તર પ્રદેશમાં મહિલાની કોઈ સલામતી રહી નથી અને આ હકીકતને સમર્થન આપતી વધુ એક ઘટના બહાર આવી હતી. આગરાના જગનેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિતિ બ્રહ્મકુમારી આશ્રમમાં બે સગી બહેનોએ રાત્રે આત્મહત્યા કરી લીધી હતી. બંને બહેનોના મૃતદેહ પંખાના હુક સાથે લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. સુસાઇડ નોટમાં એમણે લખ્યું છે કે આરોપીઓને આસારામ જેવી સજા મળવી જોઈએ.
. આ ઘટના બાદ હડકંપ મચી ગયો હતો. આત્મહત્યા કરવા પહેલા બંને બહેનોએ આશ્રમના વોટ્સએપ ગ્રુપ પર સુસાઈડ નોટ પણ મોકલી હતી. આ સુસાઈડ નોટમાં આશ્રમના 4 કર્મચારીઓને તેમની આત્મહત્યા માટે જવાબદાર ઠેરવ્યા છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બંને બહેનોએ આઠ વર્ષ પહેલા આશ્રમમાં દીક્ષા લીધી હતી. 4 વર્ષ પહલા જ્યારે જગનેરના બસઈ રોડ પર બ્રહ્મકુમારી આશ્રમ બન્યું ત્યારથી તેઓ અહીં રહેવા લાગી હતી. તેમાંથી મોટી બહેનનું નામ એકતા છે જેની ઉંમર 37 વર્ષ હતી અને નાની બહેન શિખા 34 વર્ષની હતી. પરિવારજનોએ જ્યારે વોટ્સએપ ગ્રુપ પર આત્મહત્યાનો મેસેજ જોયો તો તેઓ ગભરાય ગયા અને તાત્કાલિક આશ્રમ પહોંચ્યા પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.
આત્મહત્યા કરવા પહેલા બંને બહેનોએ સુસાઈડ નોટ પણ લખી છે અને તેમાં આશ્રમના કર્મચારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે અને તેમના પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. બંને બહેનો છેલ્લા ઘણા દિવસથી તણાવમાં હતી. તેમણે સુસાઈડ નોટમાં લખ્યું કે, અમારા મૃત્યુ બાદ ગરીબ બાળકોના શિક્ષણ માટે આ સેન્ટરને લઈ લેજો અને આરોપીઓને આજીવન કારાવાસની સજા આપવામાં આવે.