જૂની પેન્શન સ્કીમને અંગે થઇ શકે છે મોટી જાહેરાત
આજે વડા પ્રધાન મોદીની કર્મચારી યુનિયન સાથે બેઠક
નવી દિલ્હી
નવી પેન્શન યોજના સામે ચાલી રહેલા વિરોધ અને કર્મચારીઓમાં ફેલાયેલા અસંતોષ અને જૂની પેન્શન સિસ્ટમને પુનઃસ્થાપિત કરવાની માંગને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં મોટી જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે કર્મચારી યુનિયનના નેતાઓને તેડુ મોકલવામાં આવ્યું છે અને તેમની સાથે ચર્ચા કર્યા બાદ કોઈ મોટી જાહેરાતની સંભાવના છે.
એક અહેવાલ મુજબ વડાપ્રધાન કાર્યાલયે કર્મચારી યુનિયનના નેતાઓને પત્ર મોકલીને શનિવારે વડા પ્રધાન મોદી સાથે આ અંગે ચર્ચા કરવા બોલાવ્યા છે. હાલમાં જ સંસદમાં રજૂ કરવામાં આવેલા બજેટ દરમિયાન કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પેન્શન યોજનામાં સુધારાની વાત કરી હતી. હવે વડાપ્રધાન સાથેની આ બેઠકમાંથી કોઈ મોટી જાહેરાત થવાની શક્યતા વધી ગઈ છે.
આ વર્ષના અંત સુધીમાં ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને સરકાર મહત્વનો નિર્ણય લઇ શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુનિયનોના પ્રતિનિધિઓ સાથે વાત કરશે. નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદ પ્રથમ વખત આ પ્રકારની સીધી બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠક વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાશે. જો જૂની પેન્શન સિસ્ટમ લાગુ કરવામાં આવે તો તે દેશભરના કર્મચારીઓના જીવનમાં મોટો બદલાવ આવી શકે છે.
કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય ઉપક્રમોના કર્મચારીઓના યુનિયનોએ થોડા મહિના પહેલા અનિશ્ચિત હડતાળ પર જવાની જાહેરાત કરી હતી, જો કે સરકાર સાથેની વાતચીત અને ઉચ્ચસ્તરીય ચર્ચાઓ પછી તેને મોકૂફ રાખવામાં આવી હતી. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં જૂની પેન્શન સિસ્ટમ પુનઃસ્થાપિત કરવાની સાથે સાથે જાહેર સાહસોના ખાનગીકરણ અને તેમને ખાનગી હાથમાં સોંપવાનો સમાવેશ થાય છે.
કર્મચારીઓની એવી પણ માંગ છે કે સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે.