આજે રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ : 50 તાલુકામાં સરકારી પુસ્તકાલયો શરુ કરવા નિર્ણય
તાજેતરમાં રાજ્યના 21 જિલ્લાઓના 50 તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 6 સપ્ટેમ્બરનો દિવસ ‘નેશનલ રીડ અ બુક ડે’ એટલે કે ‘રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ વાંચનના આનંદની ઉજવણી કરવાનો છે, તેમજ વાંચનની પ્રવૃત્તિમાં લોકો રસ લેતા થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરવાનો છે.
રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રહેતા આદિવાસી સમુદાયોના લોકોમાં વાંચન પ્રત્યે રસ જાગૃત થાય અને તેઓ વાંચન માટે પ્રેરાય તેવા ઉદ્દેશ્યથી રાજ્યના તમામ આદિવાસી તાલુકાઓમાં પણ પુસ્તકાલયો કાર્યરત કરવાનું આયોજન છે. આ અંતર્ગત, રાજ્યના 7 આદિજાતિ જિલ્લાઓના 14 તાલુકાઓમાં પુસ્તકાલયો શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. તેના પરિણામે, ગુજરાતના પ્રત્યેક આદિજાતિ તાલુકાના તમામ આદિવાસી સમુદાયોને વાંચન સેવાનો 100 ટકા લાભ પ્રાપ્ત થશે.
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પુસ્તકાલયો શરૂ કરવા અંગે પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. માટે સરકારે તાલુકા ગ્રંથાલય શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યની સ્થાપનાથી લઇને આજ સુધીમાં પ્રથમ વખત એક સાથે એક જ વર્ષમાં આટલી મોટી સંખ્યામાં ગ્રંથાલયને મંજૂરી આપવામાં આવી છે.
પુસ્તકો, સામયિકો, આલેખો અને સચિત્ર શિક્ષણના સાધનો દ્વારા લોકોમાં વાંચન પ્રત્યે રસ જાગે અને જ્ઞાનનો પ્રચાર થાય તેવા ઉદ્દેશથી સમગ્ર રાજ્યમાં જાહેર ગ્રંથાલયની સ્થાપના અને વિકાસ થાય તે માટે જાહેર ગ્રંથાલય માટેની માન્યતા તથા સહાયક ગ્રાન્ટ અંગેની નીતિ નક્કી કરવામાં આવી છે.