શેખ હસીનાને બ્રિટને શું આપ્યો ઝટકો ? શરણ અંગે શું કહ્યું ? જુઓ
- શેખ હસીનાને શરણ આપવાનો બ્રિટનનો ઇનકાર
- ગૃહ મંત્રાલયે કહ્યું જ્યાં પ્રથમ સુરક્ષિત પહોંચ્યા ત્યાં જ શરણ માંગે, અમારા ઇમિગ્રેશન રૂલમાં આ રીતે આશ્રય આપવાની જોગવાઈ નથી
વઇસ ઓફ ડે નવી દિલ્હી
બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને ભારત ભાગી આવેલા શેખ હસીના અત્યારે ભારતમાં જ છે પણ બ્રિટનમાં આશ્રય લેવાના એમનાં પ્રયાસોને ઝટકો લાગ્યો છે. મંગળવારે બ્રિટનના સત્તાધીશોએ શરણ આપવાનો ઇનકાર કરી દીધો હતો.
એનડીટીવી સાથેની વાંતચીતમાં બ્રિટનના ગૃહ અને વિદેશ મંત્રાલયોએ એમ કહ્યું હતું કે અમારા ઈમિગ્રેશન રૂલ કોઈ પણ વ્યક્તિને શરણ લેવા માટે અહીં આવવા અથવા અસ્થાયી સ્વરૂપે અહીં રહેવાની અનુમતિ આપતા નથી. આ પ્રકારની શરણ તો વ્યક્તિએ એવા દેશથી જ માંગવી જોઈએ જ્યાં તેઓ પ્રથમ સુરક્ષિત પહોંચ્યા હોય.
આમ આડકતરી રીતે બ્રિટને ભારતમાં જ શરણ લેવાનો ઈશારો કર્યો હતો. હવે શેખ હસીનાએ કોઈ નવા વિકલ્પ અંગે વિચાર કરવો પડશે અને ત્યાં સુધી તેઓ ભારતમાં જ સુરક્ષિત રહેશે.
બાંગ્લાદેશી મીડિયાએ એમ કહ્યું છે કે શેખ હસીના વચગાળાના આશરા માટે જ ભારત ગયા હતા અને તેઓ કોઈ બીજા જ દેશમાં જઈ શકે છે. જો કે અત્યારે તો તેઓ હીંડન એર બેઝ પર જ સેફ હાઉસમાં છે. ભારતીય વાયુ સેના એમની સુરક્ષા કરી રહી છે.
શેખ હસીના હવે કયા દેશમાં આશરો લેશે તે અંગે કઈ હજુ એમણે સંકેત આપ્યો નથી. એક અહેવાલ મુજબ એમની સાથે એમનાં નાના બહેન ભારત આવ્યા હતા તે બ્રિટન જવા રવાના થઈ ગયા હતા. તેઓ ત્યાંના નાગરિક છે અને લેબર પાર્ટીના સાંસદ છે.