અંતે યુક્રેન યુદ્ધવિરામ માટે સંમત, યુએસના શાંતિ પ્રસ્તાવને સમર્થન
રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી ચાલતા વિનાશક યુદ્ધના અંતની આશા અને સંભાવનાઓ બળવતર બની છે.સાઉદી અરેબિયાના પાટનગર જેદ્દાહમાં યુક્રેન અને અમેરિકા વચ્ચે યોજાયેલી બેઠક બાદ યુક્રેને અમેરિકાના 30 દિવસના શાંતિ પ્રસ્તાવને સમર્થન આપી રશિયા સાથે તાત્કાલિક વાટાઘાટો માટે સંમતિ દર્શાવી હતી.સાથે જ, વોશિંગ્ટનમાં ટ્રમ્પ અને ઝેલેન્કી વચ્ચેની બેઠક પડી ભાંગવાને કારણે અટકી ગયેલી ખનીજ ડીલ પણ બનતી ત્વરાએ પૂર્ણ કરવા બન્ને દેશો સંમત થયા હતા.અમેરિકાએ આ બેઠકની ફળશ્રુતિને યુદ્ધના અંતની શરૂઆત તરીકે વર્ણવી હતી.યુક્રેન તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ યુક્રેનની લશ્કરી સહાય પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો
અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ જેદ્દાહની એક ભવ્ય હોટેલમાં લગભગ નવ કલાકની વાતચીત બાદ પત્રકારોને જણાવ્યું,”આજે અમે શાંતિ સ્થાપવા અને તાત્કાલિક વાટાઘાટો શરૂ કરવાનો મુકેલો પ્રસ્તાવ યુક્રેનિયનોએ સ્વીકારી લીધો છે. અમે આ પ્રસ્તાવ હવે રશિયનો સમક્ષ લઈ જઈશું અને આશા રાખીએ છીએ કે તેઓ શાંતિ માટે હા પાડશે. હવે બોલ તેમના હાથમાં છે.તેમણે વધુમાં ઉમેર્યું કે દુર્ભાગ્યે, જો રશિયા ના પાડશે તો શાંતિમાં કોણ અડચણરૂપ છે તે અમને ખબર પડી જશે.”
આ બેઠક બાદ વોશિંગ્ટનમાં ટ્રમ્પે, તેઓ ઝેલેન્સકીને ફરીથી વ્હાઇટ હાઉસમાં આવકારવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત તેમણે આ અઠવાડિયે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરવાનો નિર્દેશ આપ્યો હતો. ઝેલેન્સકીએ જેદ્દાહમાં કરવામાં આવેલા સકારાત્મક શાંતિ પ્રસ્તાવ બદલ ટ્રમ્પનો આભાર માની અને અમેરિકાને હવે રશિયાને બનાવવા માટે કામ કરવા અનુરોધ કર્યો હતો.