અબૂધાબીના BAPS મંદિર ફરતે શું બનાવ્યું જુઓ
અબૂ ધાબીમાં પહેલું શિખરબદ્ધ BAPS હિન્દુ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. જેનું લોકાર્પણ મહંત સ્વામી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આગામી 14 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. UAE સામાન્ય રીતે તેના વિશાળ રણ માટે જાણીતું છે, જ્યારે ભારત વિશ્વની અનેક મહાન અને પવિત્ર નદીઓની ભૂમિ છે. મંદિરમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો સંગમ ભારત અને UAE વચ્ચે એક આધ્યાત્મિક, સાંસ્કૃતિક સેતુ પ્રસ્થાપિત કરે છે.

ભારતની આ પવિત્ર નદીઓના જળ અહીં લાવવામાં આવ્યા છે. મંદિરની એક બાજુ ગંગા નદી અને મંદિરની બીજી બાજુએ યમુના નદીનું જળ પધરાવવામાં આવ્યું છે. આછા ભૂરા રંગનું પાણી ગંગા નદી અને ઘેરા ભૂરા રંગનું પાણી યમુના નદી દર્શાવે છે. સરસ્વતી નદીના પ્રવાહને પ્રકાશના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યો છે. આ ત્રણ નદીઓના ‘ત્રિવેણી સંગમ’ આગળ ‘દિવ્ય ચક્ષુ’ પ્રદર્શિત કરવામાં આવ્યું છે.

બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે, “આ સાથે ત્રણ નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીના પાણી પણ અહીં આવશે. તેના પાણીનો ફર્સ્ટ કુંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંતો દ્વારા પધરાવશું.”
મંદિરની બંને બાજુ પાણીના પ્રવાહને પ્રકાશિત કરવા અંદર 2000 જેટલી લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રચના દ્વારા શાંતિ, પ્રેમ અને સંવાદિતાનો સંદેશ આપવામાં આવ્યો છે.
મંદિરના મધ્ય પથ આગળથી થી શરૂ થતા ગંગા અને યમુનાના પ્રવાહમાંથી આગળ જતાં, ઉપરની બાજુએ જઈ રહેલાં બે ધોધ જોઈ શકાય છે. સામાન્ય રીતે પાણીનો પ્રવાહ ઉપરથી નીચે વહે, પરંતુ જીવનમાં મુશ્કેલીઓમાંથી માર્ગ કંડારી જીવનને ઉચ્ચ કક્ષાએ લઈ જવાનો સંદેશ આપતાં આ બે ધોધ નીચેથી ઉપર જતાં દ્રષ્ટિમાન થાય છે.
આ ધોધ આગળ બે શંખ મૂકવામાં આવ્યા છે, જેમાંથી વહેતા પાણીમાંથી મુલાકાતી પાણીને પોતાના મસ્તક પર ચઢાવી શુભ સંકલ્પોની પૂર્તિ માટે પ્રાર્થના કરી શકે છે. જ્યાં ગંગા નદી પસાર થાય છે, ત્યાં વારાણસીની ઝાંખી કરાવે તેવો ઘાટ બનાવવામાં આવ્યો છે, જ્યાં બેસીને દર્શનાર્થીઓ સંધ્યા સમયે મંદિરને નિહાળી શકશે અને આરતીનો લાભ લઈ શકશે.
મંદિર તરફ જતાં નદીઓના પ્રવાહની બાજુમાં 96 ઘંટ જોઈ શકાય છે. મંદિરમાં દર્શનાર્થી ઘંટારવ દ્વારા પોતાના મનને મંદિરની દિવ્યતા અને ભગવાન સાથે એકાગ્ર થવા તૈયાર કરે છે. પ્રત્યેક ઘંટ પ્રમુખ સ્વામી મહારાજના જીવનના 96 વર્ષોમાંથી પ્રત્યેક વર્ષનું પ્રતિનિધિત્વ કરે છે.
આ પ્રત્યેક ઘંટ પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક સંવાદિતાના માટેના ભગીરથ પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. જેમણે પોતાનું સમગ્ર જીવન હજારો લોકો અને વિવિધ સમુદાયો, ધર્મો અને સંસ્કૃતિઓ વચ્ચે સંવાદિતા લાવવા ભગીરથ પુરુષાર્થ કર્યો હતો.
મંદિરમાં પગથિયાં ચઢીને ઉપર આવતાં આઠ સનાતન મૂલ્યોના પ્રતીકરૂપે આઠ મૂર્તિઓ જોવા મળશે જે દર્શાવે છે કે આ મંદિર આવા મૂલ્યોના પાયા પર ઊભું છે. ઉચ્ચ જીવન પણ આ જ રીતે આવા મૂલ્યોના પર પર ઊભું છે. જેમાં પવિત્રતાની મૂર્તિ, દાનની મૂર્તિ, શાંતિની મૂર્તિ, જ્ઞાનની મૂર્તિ, શ્રદ્ધાની મૂર્તિ, કરુણાની મૂર્તિ, સત્યની મૂર્તિ અને સંપની મૂર્તિ છે.
મોદી વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024માં ભાગ લેશે
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, યુ.એ.ઈ. રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનના આમંત્રણ પર વડાપ્રધાન મોદી દુબઈમાં આયોજિત થનારી વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024માં અતિથિ વિશેષ તરીકે ભાગ લેશે અને સમિટમાં વિશેષ સંબોધન કરશે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોદી અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર BAPS મંદિરનું પણ ઉદ્ઘાટન કરશે અને ઝાયેદ સ્પોર્ટ્સ સિટી ખાતે એક કાર્યક્રમમાં UAEમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે.