સ્ટારગેટ પ્રોજેક્ટ મુદ્દે હવે ટ્રમ્પ અને એલોન મસ્ક વચ્ચે વિવાદના વાવણા
હરીફ કંપનીના એ આઈ પ્રોજેક્ટની ટ્રમ્પે ઘોષણા કરતા મસ્કને ચચરાટ: કહ્યું, ” પૈસા તો છે નહીં..”
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ત્રણ કંપનીઓ દ્વારા શરૂ થઈ રહેલા વિશ્વના ઇતિહાસના સૌથી મોટા એ આઇ પ્રોજેક્ટની ઘોષણા કરતા તેમના ખાસ સાથી અને ટેકેદાર એલોન મસ્કને વાંધો પડ્યો છે. ખુદ ટ્રમ્પે ધૂમ ધડાકાભેર જાહેર કરેલા એ પ્રોજેક્ટ માટે પૂરતા પૈસા જ ન હોવાની ટિપ્પણી એલોન મસ્કે કરતાં તેમની અને ટ્રમ્પ વચ્ચે વિવાદનો પ્રારંભ થઇ ગયો હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

ચેટ જીપીટીની સર્જક કંપની ઓપન એઆઇ ના સ્થાપક સામ અલ્ટરમેન, સોફ્ટબેંકના સીઈઓ મસાયોસી સોન અને ઓરેકલ ના ચેરમેન લેરી એલિસન દ્વારા કુલ 500 અબજ ડોલરના શરૂ થનાર આ એઆઇ પ્રોજેક્ટને ” સ્ટારગેટ ” નામ આપવામાં આવ્યું છે.પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ત્રણે ને સાથે રાખી વ્હાઇટ હાઉસ ખાતે એક ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. તેમણે પ્રોજેક્ટના બે મોઢે વખાણ કર્યા હતા.સ્ટારગેટ ને તેમણે વિશ્વના ઇતિહાસનો સૌથી મોટો એઆઇ પ્રોજેક્ટ ગણાવી તેનાથી અમેરિકામાં એક લાખ નવી નોકરી ઊભી થવાનો દાવો કર્યો હતો.લેરી એલિસને સ્ટારગેટના ડેટા સેન્ટર માટે ટેક્સાસમાં 10 લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં બાંધકામ ચાલુ હોવાની માહિતી આપી હતી.આ જાહેરાત બાદ અકળાયેલા એલોન મસ્કે પોતાના પ્લેટફોર્મ X ઉપર બળાપો કાઢ્યો હતો. આ પ્રોજેક્ટ માટે પૂરતા પૈસા જ ન હોવાની તેમણે ઠેકડી ઉડાવે હતી
અને સોફ્ટ બેન્ક પાસે માત્ર 10 અબજ ડોલર જ હોવાનો અને તે અંગેના પુરાવા પણ હોવાનો તેમણે દાવો કર્યો હતો.નોંધનીય છે કે એલોન મસ્ક પોતાની ‘ xAI ‘ કંપની ધરાવે છે અને તેની સીધી હરીફાઈ ઓપન એઆઈની ચેટ જીપીટી સાથે છે.સ્ટારગેટ પ્રોજેક્ટમાં મસ્ક સામેલ નથી.ટ્રમ્પે યોજેલી પત્રકાર પરિષદમાં પણ તેમને બોલાવવામાં આવ્યા નહોતા.નોંધનીય છે કે અમેરિકાના સતા વર્તુળોમાં એલોન મસ્ક સૌથી વધુ શક્તિશાળી હસ્તી તરીકે ઉભરી આવ્યા હતા.ખુદ પ્રમુખ ટ્રમ્પ ઉપર પણ તેમનો પ્રભાવ હોવાની છાપ ઊભી થઈ હતી.પણ તેમની હરીફ કંપનીના પ્રોજેક્ટને જ આટલું મહત્વ આપી ટ્રમ્પે ગર્ભિત રીતે એલોન મસ્કને તેનું સ્થાન બતાવી દીધું હોવાનું માનવામાં આવે છે.
મસ્કને કેમ વાંધો પડ્યો?
ઓપન એઆઈની સ્થાપના 2015માં સામ અલ્ટરમેન અને એલોન મસ્કે નોન પ્રોફિટ ધોરણે કરી હતી.એ કંપનીને જરૂર પડે ત્યારે મસ્ક નાણાકીય સહાય પણ કરતા હતા.જો કે બાદમાં સામ અલ્ટરમેને તેને ધંધાકીય કંપનીમાં પરિવર્તિત કરતા મસ્કે 2018 માં ઓપન એઆઇ સાથે છેડો ફાડી નાખ્યો હતો.ત્યારથી મસ્ક અને અલ્ટરમેન વચ્ચે બારમો ચંદ્રમા છે.તેની સામે મસ્કે લાઇસન્સ કાનૂનના ભંગથી લઈ અને છેતરપિંડી સુધીના કેસો કર્યા છે અને તેનો કાનૂની જંગ ચાલી રહ્યો છે.