બ્રિટનમાં વંશીય અશ્વેત અને વંશીય લઘુમતી વર્ગના 87 સાંસદો ચૂંટાયા
બ્રિટિશ ઇતિહાસની સૌથી વધુ વૈવિધ્યસભર સંસદ બની
બ્રિટનના મતદારોએ આ વખતે બ્રિટિશ ઇતિહાસમાં સૌથી વધારે વૈવિધ્યસભર સંસદના ગઠન માટે મત આપ્યો હતો. નવી સંસદમાં મહિલાઓ અને વંશીય લઘુમતી સમુદાયના સાંસદોનું સંખ્યાબળ આ અગાઉ કદી નહોતું એટલું થયું છે.
650 સભ્યોની સંસદમાં 242 મહિલા સાંસદો ચૂંટાયા છે. એ જ રીતે અશ્વેત, એશિયન અને અન્ય વંશીય લઘુમતી સમુદાયના કુલ 87 સાંસદોનો અવાજ આ સંસદમાં સાંભળવા મળશે. આ 87 સાંસદોમાંથી 67 શાસક પક્ષ લેબર પાર્ટીના છે. 2019 માં આ વર્ગના 66 સંસદો હતા એટલે કે આ વખતે તેમની સંખ્યામાં 21 નો વધારો થયો છે.
નોંધનીય છે કે બ્રિટન ની સંસદમાં તબક્કાવાર મહિલાઓ અને વૈશ્ય લઘુમતીઓની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. 2021 ની વસ્તી ગણતરી મુજબ બ્રિટનની કુલ વસ્તીમાં અશવે તો અને વંશીય લઘુમતીઓનું પ્રમાણ 18 ટકા છે.
708 વર્ષના ઇતિહાસમાં પ્રથમ મહિલા નાણામંત્રી
કીર સ્ટારમરે લેબર પાર્ટીને વિજય મળ્યા બાદ તુરંત જ નવી કેબિનેટની ઘોષણા કરી દીધી હતી. તેમના મંત્રીમંડળમાં મહિલા સાંસદ રાચેલ રીવ્સને વડાપ્રધાન પછીનું બીજા નંબરનું નાણામંત્રીનું પદ આપવામાં આવ્યું છે.યુકે ના 708 વર્ષના સંસદીય ઇતિહાસમાં કોઈ મહિલા નાણામંત્રી બન્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે.
ભારતમાં શું સ્થિતિ છે?
ભારતમાં વિશ્વબંધુત્વની વાતો જોર શોરથી થાય છે પણ આ ભાઈચારો ઘર આંગણે જ દેખાતો નથી. ભારતની 543 સભ્યોની સંસદમાં 20 કરોડની વસ્તી ધરાવતા મુસ્લિમ સમુદાયના માત્ર 24 સાંસદો છે. તેમાં કોંગ્રેસના નવ, ટીએમસીના પાંચ અને સમાજવાદી પક્ષના ચાર સાંસદો છે. ‘સબકા સાથ સબકા વિકાસ,સબકા વિશ્વાસ ‘ નું સુંદર સૂત્ર આપનાર ભાજપે એક પણ મુસ્લિમને ટિકિટ નહોતી આપી. કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ એક પણ મુસ્લિમ પ્રધાન નથી.