દુબઇ અને અબુધાબીમાં ફરી ભારે વરસાદ ખાબક્યો : અનેક ફ્લાઇટ્સ રદ્દ
કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા : બે દિવસ માટે શાળાઓ અને સરકારી કચેરીઓ બંધ
દુબઈ અને અબુધાબી સહિતના યુ.એ.ઈ.માં ફરી ભારે વરસાદ ખાબક્યો છે અને અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન ખાતાની ચેતવણીને ધ્યાનમાં રાખીને સરકારી કચેરીઓ બંધ કરીને કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ માટે આદેશ આપવામાં આવ્યો છે સાથોસાથ ગુરુ અને શુક્ર એમ બે દિવસ માટે શાળાઓ બંધ કરીને ઓનલાઈન શિક્ષણનો આદેશ અપાયો છે.
ગયા મહિને સંયુક્ત આરબ અમીરાત માં આવેલા ભયંકર પૂરના થોડા દિવસો પછી, આજે ગુરુવારે વહેલી સવારે અબુ ધાબી અને દુબઈમાં ફરી ભારે વરસાદ અને તોફાન આવ્યું હતું. આ પછી ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી અને દુબઈમાં બસ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.
ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ, દુબઈ આવતી પાંચ ફ્લાઈટને રાતોરાત ડાયવર્ટ કરવામાં આવી હતી, જ્યારે દુબઇ આવનારી નવ અને દુબઇથી બહાર જનારી ચાર ફ્લાઇટ્સને પણ રદ્દ કરવામાં આવી છે.
સ્થાનિક મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દુબઈના નાગરિકો ગુરુવારે સવારે 3 વાગે જોરદાર પવન, વીજળીના કડાકાથી જાગી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, અબુ ધાબીના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના અહેવાલ છે, જ્યારે જેબેલ અલી, અલ મકતુમ ઈન્ટરનેશનલ એરપોર્ટ, દુબઈ ઈન્ડસ્ટ્રિયલ સિટી, દુબઈ ઈન્વેસ્ટમેન્ટ પાર્ક અને જુમેરાહ વિલેજ ટ્રાયેન્ગલમાં જોરદાર પવન ફૂંકાયો હતો.
ગયા મહિને એપ્રિલમાં દુબઈમાં તોફાન આવ્યા બાદ ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા અને સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું અને અનેક ફ્લાઈટ રદ કરવી પડી હતી.
