H 1- B વિઝા ચાલુ રાખવામાં આવશે પ્રેસિડેન્ટ ટ્રમ્પે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H 1 – B વિઝા પ્રોગ્રામ ચાલુ રાખવાની તરફેણ કરી હતી. એક પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે અન્ય દેશોમાંથી ઉચ્ચ કૌશલ્ય ધરાવતા ગુણવત્તાયુક્ત સક્ષમ લોકો અમેરિકામાં આવે તે ઇચ્છનીય છે.

આ વિઝા ચાલુ રાખવા અંગે ટ્રમ્પના સમર્થકો વચ્ચે મતભેદ સર્જાયા હતા. ટેસ્લાના માલિક એલોન મસ્કે સક્ષમ લોકો અમેરિકામાં આવે તે માટે એ પ્રોગ્રામ ચાલુ રાખવાનો મત વ્યક્ત કર્યો હતો. બીજી તરફ એક ખૂબ મોટા વર્ગે આ કાર્યક્રમને કારણે અમેરિકન નાગરિકોની નોકરીની તકો છીનવાઈ જતી હોવાનો દાવો કરી તેનો વિરોધ કર્યો હતો. ટ્રમ્પના ચૂંટણી પ્રચાર દરમિયાન પણ આ મુદ્દો ખૂબ ગાજ્યો હતો.
જોકે ટ્રમ્પે મંગળવારે ઓરેકલના સીઈઓ લેરી એલિસન, સોફ્ટબેન્કના સીઈઓ મસાયોષી સોન અને ઓપન એઆઈ ના સીઈઓ સામ અલ્ટમેનનો ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કહ્યું કે અમેરિકાને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા સક્ષમ લોકોની જરૂર છે. લેરી એલિસનને એન્જિનિયરની જરૂર છે, નાસાને આ પહેલા ક્યારેય નહોતી એટલી માત્રામાં સક્ષમ એન્જિનિયરોની જરૂર છે. ટ્રમ્પે કહ્યું કે આ વિઝા માત્ર એન્જિનિયરો પૂરતા મર્યાદિત નથી. ત્યાં સુધી કે અમેરિકાને કૌશલ્યવાન વેઈટરોની પણ જરૂર છે. તેમણે ઉમેર્યું કે આ મુદ્દે હું તમામ પક્ષકારોને સાંભળું છું પણ સાથે જ ઈચ્છું છું કે સક્ષમ લોકો અમેરિકામાં આવે.
નોંધનીય છે કે આ વિઝા પ્રોગ્રામ અંતર્ગત અમેરિકન વ્યવસાયકારો ટેકનોલોજી એન્ડ કમ્પ્યુટિંગ, એન્જિનિયરિંગ, હેલ્થ કેર, ફાઇનાન્સ, એજ્યુકેશન વગેરે જેવા ક્ષેત્રોમાં વિદેશી નાગરિકોને કામ ચલાઉપણે પડે નોકરીએ રાખવાનો અધિકાર આપે છે. આ પ્રોગ્રામ
અનેક દેશોના નોકરી વાંચ્છુકો માટે મહત્વનો છે. જોકે તેને કારણે અમેરિકન નાગરિકોની રોજગારીની તકો છીનવાઈ જતી હોવાની દલીલ થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રથમ શાસનકાળ દરમિયાન અમેરિકાના નાગરિકોને નોકરીમાં પ્રાધાન્ય આપવા માટે ‘ બાય અમેરિકન હાયર અમેરિકન ‘ નામે વહીવટી આદેશ જારી કર્યો હતો.
