દસ કલાકના ભીષણ જંગ બાદ હમાસના આઉટ પોસ્ટ પર કબજો
ઇઝરાયલ સેનાની મક્કમ આગેકૂચ
ત્રણ દિવસમાં આઠ હોસ્પિટલ પર બોમ્બવર્ષા
ઇઝરાયેલ સેના મક્કમ પણ આયોજનબદ્ધ રીતે ગાઝામાં હમાસના એક પછી એક ઠેકાણાઓ નષ્ટ કરી રહી છે. ગુરુવારે ગાઝા શહેરની ઉતરે ઇઝરાયલી સેના અને હમાસના લડાકુઓ વચ્ચે 10 કલાક સુધી જંગ ચાલ્યો હતો. એ અથડામણમાં ગાઝાના અનેક આતંકીઓનો ખાતમો બોલી ગયો હતો. એ ઓપરેશન દરમિયાન ઇઝરાયલે હમાસના એક વ્યુહાત્મક આઉટ પોસ્ટનો કબજો લઈ લીધો હતો. બાદમાં તપાસ દરમિયાન ડ્રોન ફેક્ટરી તેમજ રહેણાક વિસ્તારો વચ્ચે આવેલ હમાસના શસ્ત્રાગાર મળી આવ્યા હતા. ગુરુવારે થયેલી સામસામી કાર્યવાહીમાં ઇઝરાયેલ નો વધુ એક જવાન શહીદ થતાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા 34 ઉપર પહોંચી છે. 260 ઇઝરાયેલી સૈનિકો ઘાયલ થયા છે. ઇઝરાયેલી દળોએ ગાઝામાં કરેલી કાર્યવાહી દરમિયાન 130 ભૂગર્ભ ટનલો નો નાશ કરવામાં આવ્યો છે.
બીજી તરફ ઇઝરાયલે ગાઝાની હોસ્પિટલ ઉપર હુમલા જારી રાખ્યા છે. વાયસેનાએ છેલ્લા ત્રણ દિવસમાં ગાઝાની સૌથી મોટી શિફા હોસ્પિટલ તેમજ ખાન યુનિસ શહેરની અલ નાસર સહિત આઠ હોસ્પિટલ ઉપર બોમ્બ ફેંક્યા હતા. બુધવારની રાત્રે ખાન યુનિસ માં વધુ બે મસ્જિદો ઇઝરાયેલી બોમ્બમારામાં જમીનદોસ્ત થઈ ગઈ હતી. ઇઝરાયેલી હુમલામાં અત્યાર સુધીમાં ગાઝાની 59 મસ્જિદો સંપૂર્ણપણે નાશ પામી છે જ્યારે 136 ને નુકસાન થયું છે. ઇઝરાયલી વાયુસેનાએ ખાન યુનીસ માં બાની સુહેઈલા ગામના રહેણાક વિસ્તારો પર બોમ્બ વરસાવતા અનેક મકાનો પડી ગયા હતા અને ઓછામાં ઓછા છ લોકોના મૃત્યુ થયા હતા. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 4324 બાળકો સહિત કુલ 10,569 નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા છે.
હોસ્પિટલો તબાહ
ગાઝાની સૌથી મોટી અલ શિફા હોસ્પિટલ ઉપર બોંબ પડતા એક્સ રે સહિતના મહત્વના અનેક વિભાગો નાશ પામ્યા હતા. એ જ રીતે ગુરુવારે ખાન યુનીસ શહેરમાં આવેલ નાસર મેડિકલ હોસ્પિટલ પણ બોમ્બ મારાને કારણે તબાહ થઈ ગઈ હતી. ગાઝાની અલ કવાદ હોસ્પિટલમાં ડીઝલ ખૂટી પડતા જનરેટરના અભાવે દર્દીઓની સારવાર અટકી ગઈ છે. સર્જીકલ વોર્ડ, ઓપરેશન થિયેટર તેમજ ઓક્સિજન જનરેટર પ્લાન્ટ બંધ થઈ જતા અનેક ઘાયલો અને દર્દીઓના જીવ જોખમમાં મુકાયા છે. હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસરના જણાવ્યા મુજબ આઇસીયુમાં રહેલા ૧૫ સહિત કુલ પાંચસો દર્દીઓના જીવ જોખમમાં મુકાઈ ગયા છે. હોસ્પિટલમાં 15,000 બાળકો અને મહિલાઓ આશરો પણ લઈ રહ્યા છે.
સીરિયામાં અમેરિકાનો હુમલો: 9ના મોત
અમેરિકાએ ગુરુવારે પૂર્વ સીરિયામાં ઈરાનના પીઠબળવાળા આતંકીવાદી સંગઠનના શસ્ત્રાગાર પર એર સ્ટ્રાઈક કરી હતી. એ હુમલામાં નવ લોકોના મૃત્યુ થયા હતા. ઇઝરાયેલ હમાસ યુદ્ધ શરૂ થયું તે પછી ઈરાક અને સીરિયામાં અમેરિકન થાણા ઉપર હુમલા ની સંખ્યામાં મોટો વધારો થયો હતો. અમેરિકી સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર 17 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં અમેરિકી થાણા ઉપર હુમલા ની 40 ઘટના બની હતી. ત્યારબાદ 28મી ઓક્ટોબરે અમેરિકાએ સીરિયામાં બે એર સ્ટ્રાઈક કરી આતંકી થાણાઓનો નાશ કર્યો હતો. ગુરુવારે ફરી એક વખત અમેરિકાએ હુમલો કરી ઈરાન અને તેના જોરે કૂદતા આતંકવાદી સંગઠનોને મર્યાદામાં રહેવાની ચેતવણી આપી હતી. નોંધનીય છે કે ઇરાકમાં અમેરિકાના 2500 અને સીરિયામાં 900 સૈનિકો આજે પણ મોજુદ છે.