ટ્રમ્પના ટેરિફ બોમ્બથી ખુદ અમેરિકાની જનતા કેવી મુસીબતમાં આવશે ? કોણે શું કહ્યું ? વાંચો
ડોનાલ્ડ ટ્રમ્પે આખરે કેનેડા, ચીન અને મેક્સિકો સામે ટેરિફ લાદીને પોતાનું ચૂંટણી વચન પૂર્ણ કર્યું છે. ટ્રમ્પનું કહેવું છે કે ફેન્ટાનાઇલ નામની દવાઓ અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં પ્રવેશતા રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. અમેરિકા કેનેડા અને મેક્સિકો સાથે તેની સરહદ વહેંચે છે, જેના દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અમેરિકા પહોંચે છે.

આ ટેરિફ મંગળવારથી અમલમાં આવશે. મેક્સિકોથી આવતા તમામ માલ પર 25% ટેક્સ લાગશે. મોટાભાગની કેનેડિયન ચીજવસ્તુઓ પર 25 ટકા કર લાગશે, પરંતુ ક્રૂડ ઓઇલ જેવા ઉર્જા સંસાધનો પર માત્ર 10 ટકા કર લાગશે. ચીની વસ્તુઓ પર 10 ટકાનો વધારાનો ટેક્સ લાદવામાં આવ્યો છે.
જો કે અમેરિકી અહેવાલો મુજબ આ પગલાંથી અમેરિકામાં મોંઘવારીનો બોમ્બ ફાટવાનો છે અને અનેક ચીજો મોંઘી થવાની છે અને લોકોમાં રાડ બોલી જવાની છે . ફૂડ આઇટમો, ઈંધણ, કાર અને ઓટો પાર્ટસ, સ્ટીલ, બીયર અને દારૂ, બાંધકામ સામગ્રી, ફર્નિચર, ઇલેક્ટ્રિક સામાન બધુ જ ભારે મોંઘું થઈ જશે .
અર્થશાસ્ત્રીઓની ચેતવણી
યુએસ અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે આ પગલાં અમેરિકન વ્યવસાયો અને ગ્રાહકો પર નકારાત્મક અસર કરશે. હવે અમેરિકામાં વસ્તુઓના ભાવ આસમાને પહોંચશે. સીએનએનના અહેવાલ મુજબ, લોયોલા મેરીમાઉન્ટ યુનિવર્સિટીના ફાઇનાન્સ અને અર્થશાસ્ત્રના પ્રોફેસર સુંગ વોન સોહને કહ્યું, “ગ્રાહકોની સ્થિતિ વધુ ખરાબ થવાની છે.”
તેમણે કહ્યું, “જ્યારે ટેરિફની વાત આવે છે, ત્યારે તે એક આર્થિક યુદ્ધ છે. .” જે ત્રણ દેશો પર ટેરિફ લાદવામાં આવ્યા છે તે અમેરિકાની આયાતનો એક તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. આ દેશોમાંથી થતી આયાતમાં શાકભાજી, માંસ, ગેસ, ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ, રમકડાં, કપડાં, લાકડું અને દારૂનો સમાવેશ થાય છે.