અનામત વિરોધી આંદોલનમાં બાંગ્લાદેશ ભડકે બળ્યું: એક જ દિવસમાં છ ના મોત
દેશભરની શાળા કોલેજો અચોક્કસ મુદત સુધી બંધ
સરકારી નોકરીઓ અને શિક્ષણ વ્યવસ્થામાં અનામતની જોગવાઈઓ સામે બાંગ્લાદેશમાં શરૂ થયેલું વિદ્યાર્થી આંદોલન હિંસક બનતા સ્ફોટક સ્થિતિ નિર્માણ પામી છે. આ મુદ્દે શાસક પક્ષ અવામી લીગના ટેકેબદાર વિદ્યાર્થીઓ અને આંદોલનકારી છાત્રો વચ્ચે ઘર્ષણ થતાં
મામલો બેકાબૂ બની ગયો હતો. મંગળવારે એક જ દિવસમાં આ તોફાનોને કારણે 6 લોકોના મોત થયા બાદ બાંગ્લાદેશ સરકારે દેશની તમામ શાળા કોલેજો ચોક્કસ મદદ સુધી બંધ કરી દેવાનો આદેશ કર્યો હતો.
અનામતની આગે બાંગ્લાદેશને ભડકે બાળ્યું છે. એ જોગવાઈઓને કારણે વાસ્તવમાં લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને નોકરીમાં અન્યાય થઈ રહ્યો હોવાના આક્રોશ સાથે બાંગ્લાદેશના દરેક શહેરમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઢાકા સહિતના બાંગ્લાદેશના મોટાભાગના મહત્વના શહેરોને જોડતા ધોરીમાર્ગો અને રેલ્વે લાઈનો પર વિદ્યાર્થીઓએ ચક્કાજામ સર્જી દીધો હતો. એ દરમિયાન લૂંટફાટ અને આગજનીના બનાવો બનતા પોલીસને બળ પ્રદર્શન કરવું પડ્યું હતું. મંગળવારે એક જ દિવસમાં છ લોકોના મૃત્યુ થયા બાદ પરિસ્થિતિ એ સ્ફોટક વળાંક લીધો હતો. આંદોલનકારી વિદ્યાર્થીઓએ સરકાર અને તેના ટેકેદાર વિદ્યાર્થીઓ દમન દ્વારા આંદોલનને દબાવી દેવાની કોશિશ કરતા આવવાનો આક્ષેપ કર્યો હતો.