70 વર્ષની વયે ઈંડુ આપી વૃદ્ધ ફ્લેમિંગોએ વાંઝિયા મેણું ભાંગ્યું
એક દુર્લભ ઘટના, કુદરતનો ચમત્કાર
ઇંગ્લેન્ડના નોરફલોકમાં આવેલ પેન્સપ્રોથ નેચર રિઝર્વમાં એક દુર્લભ ઘટના બની છે. ગેર્ટ્રુદ નામની 70 વર્ષની વયોવૃદ્ધ માદા ફ્લેમિંગોએ શુક્રવારે તેની જિંદગીનું પ્રથમ ઈંડુ આપ્યું હતું. આ ઘટનાને કુદરતનો ચમત્કાર જ માનવામાં આવે છે કારણ કે સામાન્ય રીતે ફ્લેમિંગો પક્ષીનું આયુષ્ય 40 વર્ષનું હોય છે.
આ રિઝર્વના મેનેજિંગ ડાયરેક્ટર બેન માર્શલ અભિભૂત અને અચંબિત છે. તેમણે કહ્યું કે આ એક અદભુત ઘટના છે. આ માદા ફ્લેમિંગોએ અત્યાર સુધી એક પણ ઈંડુ નહોતું આપ્યું. એ ફ્લેમિંગોને ‘ પ્રેમમાં બદનસીબ ‘ ફ્લેમિંગોનું બિરુદ મળ્યું હતું. પણ જુઓ, તેમણે કહ્યું,’ માતૃત્વની જંખના કેવો ચમત્કાર સર્જી શકે છે. આ કુદરત છે.
આ ઘટનામાંથી કુદરતની અખૂટ, સમૃદ્ધ અને સંજીવની સમાન ઉદાર લાક્ષણિકતા નો પુરાવો મળ્યો છે.’ તેમણે કહ્યું કે આ ઈંડુ કદાચ ફળદ્રુપ નથી પણ નિઃસંતાન ગેર્ટ્રુદની જિંદગી આખની ઝંખના પૂરી થઈ તે ચમત્કાર નહીં તો બીજું શું કહેવાય? તેમણે કહ્યું કે ગેર્ટ્રુદ
અત્યંત માયાળુ અને પ્રેમાળ છે. આ રિઝર્વના ફ્લેમિંગો પરિવાર માટે તે એક આદર્શ અને કાળજી રાખનારી માતા પુરવાર થઈ છે.
