14 વર્ષના છાત્રએ સ્કુલમાં ગોળીબાર કરી બે શિક્ષક અને બે વિદ્યાર્થીને મારી નાખ્યા
પશ્ચિમના દેશોમાં માનવ જિંદગી ની કિંમત મચ્છર જેટલી
અમેરિકામાં ચાલુ વર્ષે સ્કૂલમાં શૂટિંગની 23 ઘટનાઓ
જગત જમાદાર અમેરિકા આખા વિશ્વની ચિંતા કરે છે પણ ત્યાં ઘર આંગણે જ કોઈ સલામત ન હોય તેમ લગભગ દરરોજ માસ શૂટિંગના બનાવ બને છે. એવી જ તાજી ઘટનામાં જ્યોર્જિયા સ્ટેટની રાજધાની એટલાન્ટા થી 45 માઈલ દૂર આવેલ બેલો કાઉન્ટીમાં 14 વર્ષના છાત્રએ એક સ્કૂલમાં અંધાધુંધ ગોળીબાર કરી 14 વર્ષના બે વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોને પતાવી દીધા હતા. આ હુમલામાં અન્ય આઠ વિદ્યાર્થીઓ અને એક શિક્ષક ઘાયલ પણ થયા હતા. નોંધનીય છે કે ચાલુ વર્ષે જ અમેરિકામાં સ્કૂલમાં શૂટિંગની અત્યાર સુધીમાં 23 ઘટનાઓ બની છે
પોલીસના જણાવ્યા મુજબ ૧૪ વર્ષની વયનો કોલ્ટ ગેરી નામનો તરુણ બપોરે 12:30 વાગ્યે અપાલાચી હાઇસ્કુલમાં ધસી ગયો હતો અને ત્યાં તેણે અંધાધુંધ ગોળીબાર શરૂ કરતા ભારે ભય સાથે નાસભાગ મચી ગઈ હતી. બનાવાની જાણ થતા ઘટના સ્થળે ધસી ગયેલી પોલીસે બાળકોને સલામત રીતે બહાર કાઢવાનું ઓપરેશન હાથ ધર્યું હતું અને કોલ્ટ ગેરીની ધરપકડ કરી હતી.
આ હુમલામાં બે શિક્ષકો અને બે વિદ્યાર્થીઓના મૃત્યુ થતાં બેરો નગર સ્તબ્ધ બની ગયું હતું. પોલીસના જણાવ્યા મુજબ 2023 ના મે મહિનામાં આ તરુણે સોશિયલ મીડિયા પર ગનની તસવીરો સાથે સ્કૂલ શૂટિંગની ધમકી આપતી પોસ્ટ મૂકી હતી. એફબીઆઇના નેશનલ થ્રીએટ ઓપરેશન્સ સેન્ટર દ્વારા સ્થાનિક પોલીસને એલર્ટ કર્યા બાદ પોલીસે કોલ્ટ ગેરી અને તેના પિતાની પૂછપરછ કરી હતી. તેના પિતા પાસે ગન હતી પણ તે કોઈ પણ સંજોગોમાં પુત્રના હાથમાં ન આવે તે સુનિશ્ચિત કર્યું હોવાની તેણે ખાતરી આપ્યા બાદ પોલીસે આગળ કોઈ પગલા લીધા નહોતા અને બાદમાં ગુરુવારે એ તરુણે એસોલ્ટ રાઇફલ વડે હુમલો કર્યો હતો.
શિકાગોમાં ટ્રેનમાં વગર કારણે ચાર લોકોની ગોળી મારી હત્યા
બુધવારે સવારે સાડા પાંચ વાગ્યે શિકાગો નજીકના ફોરેસ્ટ પાર્ક થી ચિકાગો ઇન્ટરનેશનલ એરપોર્ટ જઈ રહેલી બ્લુ લાઈન ટ્રેનમાં રાહાના ડેવિસ નામના શખ્સે એ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ એક મહિલા સહિત ચાર મુસાફરોને કોઈપણ જાતના કારણ વગર ગોળીબાર કરી અને મારી નાખ્યા હતા. ટ્રેનના સીસીટીવી કેમેરામાં હત્યાના એ દ્રશ્યો ઝડપાઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ હત્યારા રાહાના ડેવિસને ટ્રેનમાં કોઈની સાથે બોલાચાલી કે ઝઘડો નહોતો થયો. મૃત્યુ પામેલા ચારેય લોકો અલગ અલગ સ્થળે બેઠા હતા. રાહાના અચાનક જ પોતાની હેન્ડગન લઈ અને પોતાની જગ્યાએથી ઊભો થયો હતો અને પછી જુદા જુદા ડબ્બામાં પ્રવેશ કરી ચાર લોકોને વીંધી નાખ્યા હતા. હત્યાનો ભોગ બનેલી એક પણ વ્યક્તિને હત્યારા સાથે કોઈપણ જાતનો પરિચય ન હોવાનું ખુલ્યું છે.સીસીટીવી કેમેરા થકી તેની ઓળખ સ્થાપિત થયા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. ક્યા કારણોસર તેણે આ હત્યા કરી તેનું રહસ્ય પોલીસ ઉકેલી શકી નથી.
12 થી 14 વર્ષના બાળકોએ ભારતીય મૂળના 80 વર્ષના વૃદ્ધને પતાવી દીધા
વધુ એક ભયંકર ઘટના ઇંગ્લેન્ડમાં બની હતી. પૂર્વ ઇંગ્લેન્ડના બ્રાઉન સ્ટાઉન નામના ગામમાં પાંચ બાળકોએ ભારતીય મૂળ ધરાવતા ભીમ કોહલી નામના 88 વર્ષના વૃદ્ધની હત્યા કરી નાખી હતી. પોલીસના જણાવ્યા મુજબ ભીમ કોહલી તેમના ઘરની નજીક જ આવેલા ફ્રેન્કલિન પાર્કમાં પાલતુ શ્વાનને ફેરવવા નીકળ્યા ત્યારે પાંચ બાળકોએ લાકડી જેવા હથિયારો વડે તેમના પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ગવાયેલા એ વૃદ્ધને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ગળામાં થયેલી ગંભીર ઇજાઓને કારણે બીજા દિવસે તેમનું મૃત્યુ થયું હતું. આઘતજનક એ વાત એ છે કે હુમલો કરનાર એક છોકરા અને એક છોકરી ની ઉંમર 14 વર્ષની અને બે છોકરી અને એક છોકરાની ઉંમર માત્ર 12 વર્ષની છે. પોલીસે 14 વર્ષની ઉંમરના કરોડને કસ્ટડીમાં રાખી બાકી બધાને છોડી દીધા હતા.