OTTની દુનિયામાં ગોવિંદાની એન્ટ્રી: લોન્ચ કરી પોતાની આ એપ
- પોતાના ચાહકો માટે “ફિલ્મી લટ્ટુ” એપ સાથે ડિઝિટલ ક્ષેત્રમાં પગલાં માંડયા
વોઇસ ઓફ ડે,
ઓટીટીની દુનિયામાં પણ હીરો નં.1 બનવા માટે બોલિવૂડના જાણીતા એક્ટર ગોવિંદાએ પોતાની ઓટીટી એપ “ફિલ્મી લટ્ટુ” લોન્ચ કરી છે. ગોવિંદા પોતાના દમદાર અભિનય અને શાનદાર ડાન્સ માટે જાણીતા છે. એમણે 90ના દશકામાં સુપરહિટ ફિલ્મોથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. મોટા પડદા પર નામ કમાવ્યા બાદ હવે એમણે ડિઝિટલ ક્ષેત્રમાં પગ માંડ્યા છે. તાજેતરમાં ગોવિંદાએ પોતાની ઓટીટી એપ “ફિલ્મી લટ્ટુ” લોન્ચ કરી છે.
આ ઓટીટી પ્લેટફોર્મથી દર્શકોની વિવિધ મનોરંજન આવશ્યક્તાઓને પૂરી કરવાના પ્રયત્નો કરવામાં આવશે. ફિલ્મી લટ્ટુ એપ પર દર્શકો ફિલ્મોથી લઈને વેબ સિરીઝ, એક્સકલયુસીવ ઇન્ટરવ્યૂ, પડદા પાછળના સીન અને અન્ય ઘણું બધુ જોઈ શકશે. ગોવિંદાની વર્ષ 2017માં આવેલી ફિલ્મ ‘આ ગયા હીરો’ની સ્ટ્રીમિંગ પણ આ એપ પર શરૂ થઈ ગઈ છે.
ગોવિંદાની એપ ‘ફિલ્મી લટ્ટુ’ને તમે ગૂગલ પ્લે અને એપલ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. જ્યારે રૂ.149ની મંથલી ફી ચૂકવીને આ એપનો આનંદ લઈ શકો છો. ગોવિંદાનું ડિઝિટલ ક્ષેત્રે આવવું તે તેમના વિચાર અને ફેન્સ સાથેના જોડાણને દર્શાવે છે. ફિલ્મી લટ્ટુ એપથી વધુ એકવાર તેઓ પોતાના દર્શકોને મનોરંજનનો ડોઝ આપવા માટે તૈયાર છે.
