આપના ધારાસભ્ય ચૈતર વસાવા આટલા દિવસના રિમાન્ડ ઉપર
- વન વિભાગના કર્મચારી પર હુમલો, ધાક ધમકી અને હવામાં ફાયરિંગનો આરોપ છે
વન વિભાગના કર્મચારી પર હુમલો, ધાક ધમકી અને હવામાં ફાયરિંગના આરોપી ધારાસભ્ય ચૈતર વસાવાના 18 તારીખે બપોરે 12 વાગ્યા સુધીના રિમાંડ મંજૂર કરાયા છે. ગુનો નોંધાયાના 41 દિવસ બાદ હાજર થનારા ચૈતર વસાવાને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે 14 દિવસના રિમાંડની માગણી કરતા ચૈતર વસાવા વતી ગોપાલ ઈટાલિયાએ પોલીસ રિમાંડ માગનો વિરોધ કર્યો હતો. ઈટાલિયાએ દલીલ કરી કે, ચૈતર વસાવાએ કોઈ ગુનો કર્યો જ નથી તો રિમાંડ કેમ. ચૈતર વસાવાએ કોઈને ઘરે બોલાવ્યા જ નથી. જો કે હાલમાં કોર્ટે 18 તારીખે બપોરે 12 વાગ્યા એટલે કે ત્રણ દિવસના રિમાંડ મંજૂર કર્યા છે.
નોંધનીય છે કે, ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરતાં પહેલા વીડિયો જાહેર કર્યો હતો. ચૈતર વસાવાએ વીડિયો જાહેર કરીને સરકાર પર અનેક આરોપ લગાવ્યા હતા. વસાવાએ કહ્યું હતું કે નાગરિકોની વચ્ચે હું રહ્યો એટલે મને હેરાન કરવામાં આવી રહ્યો છે. મેં આરોગ્ય, શિક્ષણ, વીજળી મુદ્દે અનેક વખત રજૂઆત કરી છે. મેં અનેક વખત ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે. મેં આદિવાસીઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. હું સરકાર સામે લડતો હોવાથી કિન્નાખોરી કરાઈ રહી છે. ચૂંટાયો ત્યારથી મને હેરાન કરવામાં આવી રહ્યો છે. ષડયંત્રના ભાગરુપ મને ફસાવાયો છે. મને અને મારા પરિવારને વારંવાર હેરાન કરાય છે. મારા વિરુદ્ધ થતા કાવતરા સામે લડતો રહીશ. મને અનેક વખત લોભ-લાલચ અપાઈ પરંતુ હું ઝૂક્યો નથી.
પોલીસ સ્ટેશનમાં હાજર થતા અગાઉ પહેલા ચૈતર વસાવાએ આવનારા દિવસોમાં મોટા આંદોલનની જાહેરાત કરી હતી. સરકાર વિરુદ્ધ જનતાના મુદ્દા ઉઠાવતા હોવાથી હેરાન કરાઇ રહ્યો હોવાનો પણ વસાવાએ આરોપ લગાવ્યો હતો.
નોંધનીય છે કે એક મહિના અગાઉ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી ચૈતર વસાવા ભૂતર્ભમાં ઉતરી ગયા છે. ચૈતર વસાવા વિરુદ્ધના કેસને તેમની પત્નીએ પાયાવિહોણો ગણાવ્યો હતો. ચૈતર વસાવા પર હવામાં ફાયરિંગનો પણ કેસ નોંધાયો છે. ચૈતર વસાવાની પત્ની અને PA પર પણ ગુનો નોંધાયો હતો.
ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને ધમકાવવાનો આરોપ લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યા અનુસાર, ફોરેસ્ટ વિભાગે નર્મદા પોલીસ સ્ટેશનમાં આ મામલે રજૂઆત કરી હતી. ફરિયાદ બાદ પોલીસે IPCની કલમ 386 હેઠળ ચૈતર વસાવા સામે ગુનો દાખલ કર્યો હતો.