તમારા ઇન્સ્ટાગ્રામની અસર અમેરીકન ગ્રીન કાર્ડ મેળવવા પર થશે !! જાણો લોકો આ નિયમનો વિરોધ કેમ કરી રહ્યા છે ??
જો તમે યુએસ ગ્રીન કાર્ડ (પી.આર) અથવા નાગરિકત્વ માટે અરજી કરી હોય, તો તમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા પહેલા બે વાર વિચારવું જોઈએ. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) એ એક નવો નિયમ મુક્યો છે જેમાં અરજદારોને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની વિગતો આપવી પડશે. આ નિયમ રેફ્યુજીઓને પણ લાગુ પડશે.
USCIS દાવો કરે છે કે ઇમિગ્રેશન લાભો માટે અરજી કરનારા લોકોનું કડક ચેકિંગ કરવા માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ કરવી જરૂરી છે. આ એજન્સી આ નીતિને ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમના કાર્યકાળના પહેલા દિવસે જારી કરાયેલા એક્ઝિક્યુટિવ ઓર્ડર અનુસાર લાગુ કરી રહી છે. આ આદેશ અમેરિકાને આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાના ખતરાથી બચાવવા માટે આપવામાં આવ્યો હતો.
USCIS અનુસાર, આ નીતિ છેતરપિંડી શોધવામાં મદદ કરશે. USCIS ના પ્રવક્તાએ ન્યૂઝવીકને જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પ્રવૃત્તિની સમીક્ષા કરવાથી જાહેર સલામતીમાં સુધારો થશે અને સંભવિત જોખમોને અટકાવી શકાશે.
કોને અસર થશે?
પ્રસ્તાવિત નીતિ લાગુ થશે:
- ગ્રીન કાર્ડ માટે અરજી કરતા લોકો
- યુએસ નાગરિકતા માટે અરજી કરતા લોકો
- અસાયલમ લેનારાઓ અને રેફ્યુજીઓ
- અસયાલમ મેળવનારા અથવા રેફ્યુજીના પરિવારના સભ્યો
લોકો આ નિયમનો વિરોધ કેમ કરી રહ્યા છે ?
ઘણા ઇમિગ્રન્ટ અધિકાર જૂથો અને પ્રાઈવસી હિમાયતીઓ USCIS દરખાસ્તની ટીકા કરી રહ્યા છે. તેમનો દલીલ છે કે આ નિયમ ગોપનીયતાના અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને મર્યાદિત કરે છે. ઇમિગ્રેશન અધિકારોના હિમાયતી બીટ્રીઝ લોપેઝે ધ વર્જને જણાવ્યું હતું કે આ નીતિ સોશિયલ મીડિયાને “સર્વેલન્સ ટ્રેપ” માં ફેરવી શકે છે. તેમણે ચેતવણી આપી હતી કે ઇમિગ્રન્ટ્સ પર તેમની પોસ્ટને સેલ્ફ-સેન્સર કરવાનું દબાણ ઉભું થશે.
નિષ્ણાતો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓ
માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટિટ્યૂટના કેથલીન બુશ-જોસેફ જણાવે છે કે ઇમિગ્રેશન વકીલોને તેમના ક્લાયન્ટને સોશિયલ મીડિયા પર કઈ માહિતી શેર કરવી જોઈએ તે જણાવવામાં મુશ્કેલી પડી શકે છે. USCIS “સોશિયલ મીડિયા” ને કેવી રીતે વ્યાખ્યાયિત કરશે અને કયા પ્લેટફોર્મ પર નજર રાખવામાં આવશે તે અંગે અનિશ્ચિતતા છે. કેટલાક લોકોને ચિંતા છે કે સોશિયલ મીડિયા પોસ્ટ્સની સમીક્ષા કરવાથી ઇમિગ્રેશન પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે.
2019 માં, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે વિઝા અરજદારો પાસેથી પાંચ વર્ષની સોશિયલ મીડિયા હિસ્ટ્રી ફરજિયાત ચેક કરવાનું શરૂ કર્યું. જોકે, આ ફક્ત અમેરિકાની બહારથી અરજી કરતા લોકોને જ લાગુ પડતું હતું. નવા USCIS નિયમ એવા લોકો પર લાદવામાં આવશે જેઓ પહેલાથી જ દેશમાં રહે છે અને પર્મેનન્ટ રેસીડેન્સી અથવા સીટીઝનશીપ મેળવવા માંગે છે. હાલ પૂરતું, ઇમિગ્રેશન નિષ્ણાતો અરજદારોને સલાહ આપી રહ્યા છે કે તેઓ ઓનલાઇન શું પોસ્ટ કરે છે તે અંગે સાવચેત રહે, કારણ કે ભવિષ્યમાં યુ.એસ. ઇમિગ્રેશન નિર્ણયોમાં સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ મોટી ભૂમિકા ભજવી શકે છે.