અકબરપૂર નું નામ બદલવાની યોગી આદિત્યનાથ ની ખાતરી
યુપીમાં નામ બદલવાની મોસમ ખીલી
ઉત્તર પ્રદેશના અકબરપુરમાં પ્રચાર સભાને સંબોધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એ શહેરનું નામ બદલવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે કેટલાક શહેરોના નામ એવા છે કે તેને કારણે મોઢામાં કડવો સ્વાદ આવે છે. તેમણે કહ્યું કે ભારતના ચહેરા પરથી ગુલામીની યાદો દૂર કરવાનું વડાપ્રધાને વચન આપ્યું છે. આપણે સામ્રાજ્યવાદની તમામ નિશાનીઓ દૂર કરી ભારતની વિરાસતોને માન આપવું જોઈએ.
નોંધનીય છે કે 2017માં યોગી આદિત્યનાથે સતા સંભાળ્યું ત્યારથી અનેક શહેરો, રસ્તાઓ, બાગ બગીચાઓ અને ઇમારતોના નામ બદલવામાં આવ્યા છે. 2019 ના કુંભમેળા સમયે અલ્હાબાદ નું નામ પ્રયાગરાજ કરાયું હતું. ફૈઝાબાદ નું નામ બદલીને અયોધ્યા કરાયું છે. મુગલસરાય રેલવે સ્ટેશનને હવે દિનદયાલ ઉપાધ્યાય જંકશન અને ઝાંસી રેલવે સ્ટેશનને રાણી લક્ષ્મીબાઈ જંકશન નામ અપાયા છે.આ ઉપરાંત યુપી સરકાર દ્વારા અલીગઢ આઝમગઢ શાહજહાપુર ગાઝીયાબાદ ફરુખાબાદ અને મોરાદાબાદના નામ બદલવાની તૈયારી કરી લેવામાં આવી છે.
આટલા શહેરોના નામ બદલવાની માગણી
અલીગઢ મ્યુનિસિપાલટીએ શહેરનું નામ હરીગઢ કરવાની અને ફિરોઝાબાદ મ્યુનિસિપાલટીએ નામ બદલીને ચંદ્રનગર રાખવાની દરખાસ્તો કરી દીધી છે. એ જ રીતે મૈનપુરીનું નામ માયાપુરી કરવાની દરખાસ્ત છે. કેન્દ્રના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી ગુલાબ દેવીએ પોતાના મતવિસ્તાર સાંભલનું નામ પૃથ્વીરાજ નગર અથવા કલકી નગર કરવાની માગણી કરી છે. એ જ રીતે દેઓબંદનું નામ દેવ વૃંદ અને સુલતાનપુર જિલ્લાનું નામ કુશભવાનપુર કરવાની માંગણી થઈ છે