મહારાષ્ટ્ર માટે ભાજપ શા માટે ચિંતામાં ? શું આવ્યો અહેવાલ ? વાંચો
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વચ્ચે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીને રાજ્યમાં મોટા નુકસાનની ચિંતા સતાવી રહી છે. જોકે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં નથી આવ્યું. તાજેતરમાં જ પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં પણ ભાજપની બેઠકોમાં ઘટાડો નોંધાયો હતો અને હવે પાર્ટીના આંતરિક સર્વેમાં એવું તારણ નીકળ્યું છે કે મહારાષ્ટ્રમાં પાર્ટીને 55 થી 65 બેઠકો જ મળી શકે છે.
આ ઉપરાંત એવી પણ ચર્ચા કરવામાં આવી રહી છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભાજપ સાથે અજીત પવારના ગઠબંધનથી ખુશ નથી. આ બાબતે પણ અનેક વાતો બહાર આવી રહી છે અને પાર્ટીનું ટેન્શન મહારાષ્ટ્ર માટે વધી ગયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મુખ્યમંત્રી એકનાથ શિંદેને ભાજપની મદદથી સત્તામાં પાછા ફરવાનો વિશ્વાસ છે. જોકે એક અહેવાલ પ્રમાણે ભાજપ પોતાના પ્રદર્શનથી ચિંતિત દેખાઈ રહી છે. ભાજપ દ્વારા કરાવવામાં આવેલ આંતરિક સર્વે સંકેત આપી રહ્યો છે કે પાર્ટી 288 વિધાનસભા બેઠકોમાંથી માત્ર 55 થી 65 બેઠકો પર જ જીત હાંસલ કરી શકશે. જોકે 2014માં આંકડો 122 અને 2019માં 105 હતો.
બીજી તરફ મહાયુતીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો વિસ્તાર પણ તુટી રહ્યો છે. તાજેતરમાં જ પિમ્પરી ચિંચવાડ પ્રમુખ અજીત ગવ્હાણે સહિત અનેક નેતાઓએ એનસીપીને અલવિદા કહી દીધું હતું.
આરએસએસ ભાજપ અને અજીત પવારના ગઠબંધનના પક્ષમાં નથી. આ અગાઉ પણ ઓર્ગેનાઇઝરમાં લોકસભા ચૂંટણીમાં ભાજપના ખરા પ્રદર્શનનું કારણ અજીત પવારને ગણાવ્યા હતા. તાજેતરમાં જ મરાઠી મેગેઝીનમાં પણ આ પ્રકારની વાત કહેવામાં આવી હતી. સંઘનું માનવું છે કે, અજીત પવાર સાથે ગઠબંધનના નિર્ણયના કારણે ભાજપની છબીને નુકસાન પહોંચ્યું છે.
માહિતી એવી પણ મળી રહી છે કે આરએસએસ અને ભાજપના કેટલાક કાર્યકર્તાઓ પણ અલગ-થલગ અનુભવી રહ્યાં છે અને કામ કરવાનો ઈનકાર કરી રહ્યા છે. તેમણે ભાજપને સંદેશ પહોંચાડી દીધો છે કે અજીત પવારની એનસીપી સાથે ગઠબંધન સમાપ્ત કરી દેવું જોઈએ.