ટ્રમ્પે કેમ કરી પીછેહઠ, કેમ લગાવ્યો યુ ટર્ન..?
ટ્રમ્પે રેસીપ્રોકલ ટેરિફ લાગુ કર્યા પછી અચાનક યુ ટર્ન લઈને તેનો અમલ 90 દિવસ માટે સ્થગિત કરતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.ટ્રમ્પે આ નિર્ણય જાહેર કર્યો તેની થોડી કલાકો પહેલા જ તેઓ રેસીપ્રોકલ ટેરિફના ફાયદા વર્ણવતા હતા. અમેરિકાને દરરોજ બે બિલિયન ડોલરનો ફાયદો થઈ રહ્યાનો દાવો કરતા હતા અને વિશ્વના તમામ દેશો તેમની સાથે સમાધાનકારી વ્યાપાર સોદો કરવા કતાર લગાવી રહ્યા હોવાનો હુંકાર કરતા હતા. તે પછી અચાનક તેમણે અચાનક કરેલી પીછેહઠ માટે મુખ્યત્વે અમેરિકન સ્ટોપ માર્કેટમાં આવેલ કડાકા, મંદીનો ભય, અમેરિકાને જ થઈ રહેલું નુકસાન, ટ્રમ્પ ના ટેકેદાર ઉદ્યોગપતિઓનું દબાણ તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિરોધ જેવા પરિબળો જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
ટ્રમ્પે એપ્રિલ 2, 2025ના રોજ “લિબરેશન ડે” તરીકે જાહેર કરીને 10 થી 50 ટકા સુધીના વ્યાપક ટેરિફ લાગુ કર્યા, તે પછી બજારોમાં તીવ્ર અસ્થિરતા જોવા મળી. હતી. એપ્રિલ 9 સુધીમાં, શેરબજારના મૂલ્યમાં ભારતની જીડીપી કરતા ત્રણ ગણો એટલે કે નવ ટ્રીલીયન ડોલરનો ઘટાડો નોંધાયો હતો.બોન્ડ યીલ્ડમાં વધારો થયો હતો. સલામત ગણાતા સરકારી બોન્ડના ભાવ પણ ગગડયા હતા.આનાથી રોકાણકારો અને વ્યવસાયોમાં ભય ફેલાયો હતો. ખુદ ટ્રમ્પે બાદમાંકહ્યું હતું, “લોકો થોડા અસ્વસ્થ થઈ રહ્યા હતા”.બજારની આ અસ્થિરતા એ સંકેત હતો કે ટેરિફની નીતિ અપેક્ષિત આર્થિક લાભ આપવાને બદલે નુકસાન કરી રહી હતી.
ટ્રમ્પનો દાવો :વ્યૂહાત્મક સ્થિતિસ્થાપકતા
ટ્રમ્પે પોતાના નિર્ણયનો “લવચીકતા” તરીકે બચાવ કરતા જણાવ્યું કે “ક્યારેક દિવાલની નીચે, ઉપર કે આસપાસથી જવું પડે છે.” આ દર્શાવે છે કે ટેરિફ સ્થગિત કરવાનો નિર્ણય તે તેમની મૂળ રણનીતિના અણધાર્યા પરિણામોને સંતુલિત કરવાનો પ્રયાસ હતો. બીજી તરફ75થી વધુ દેશોએ ટેરિફની જાહેરાત બાદ અમેરિકા સાથે વાટાઘાટો માટે સંપર્ક કર્યો હતો. ટેરિફ સ્થગિત કરવાથી એ દેશો સાથે વેપાર સંબંધ સુધરી શકે છે તેવો અહેસાસ પણ આ નિર્ણય માટે કારણભૂત હોવાનું માનવામાં આવે છે. ટેરિફ સ્થગિત કરીને ટ્રમ્પે વાટાઘાટોનો માર્ગ મોકળો કરી દીધો છે.
ચીનને એકલું પાડી દેવાની રણનીતિ
ચીને ટ્રમ્પના 34% ટેરિફના જવાબમાં અમેરિકી માલ પર 84% ટેરિફ લગાવ્યા, જેના પગલે ટ્રમ્પે ચીન પર ટેરિફ 125% સુધી વધારી દીધા. વિશ્વના આ બે રાક્ષસી અર્થતંત્રો વચ્ચે ટેરિફ વોર ફાટી નીકળ્યા બાદ બધા દેશો પર એકસરખી સખત નીતિ ચાલુ રાખવાને બદલે, ટ્રમ્પે ચીનને અલગ પાડીને બાકીના દેશો સાથે સંબંધો સુધારવાનું પસંદ કર્યું છે. ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ટ્રમ્પના એ પગલાં ને ચીનને ખરાબ સ્થિતિમાં લાવવાની રણનીતિ ગણાવી હતી.
ઘરેલું અને રાજકીય વિરોધ, સાથે જ વળતાં ટેરિફનો ભય
અમેરિકામાં રિપબ્લિકન સેનેટર સુઝન કોલિન્સે ટેરિફને નુકસાનકારક ગણાવ્યા હતા, જ્યારે ટેસ્લાના સીઈઓ એલન મસ્ક સહિતના ટ્રમ્પ સમર્થકોએ પણ વિરોધ કર્યો હતો. વ્યવસાયિક નેતાઓએ રોજગારી ઘટવાની અને ભાવ વધવાની ચેતવણી આપી હતી જેનાથી ટ્રમ્પ પર નીતિ બદલવાનું દબાણ વધ્યું હતું. યુ ટર્ન માટે એ પરિબળ પણ જવાબદાર હતું.એ ઉપરાંત ચીને કરેલો વળતો પ્રહાર તેમ જ વળતા ટેરિફ નાખવાના યુરોપિયન યુનિયન અને કેનેડાના નિર્ણય બાદ અમેરિકા સામે વ્યાપક પ્રતિકારક પગલાંનો ખતરો નિહાળીને ટ્રમ્પ કૂણા પડ્યા હોવાનું માનવામાં આવે છે.
મંદી અને અમેરિકાની વિકાસ વૃદ્ધિ મંદ પડવાની નિષ્ણાંતોની ચેતવણી
અમેરિકા અને વિશ્વના ટોચના અર્થશાસ્ત્રીઓએ ટેરિફ વોર ને કારણે અમેરિકામાં મોંઘવારી ફાટી નિકળવાની,ફુગાવો વધવાની, સપ્લાય ચેન ખોરવાઇ જવાની તેમ જ મંદીના ભરડાની ચેતવણી આપી હતી.
ગોલ્ડમેન સૅક્સના અર્થશાસ્ત્રીઓએ સ્થગન પહેલાં રિસેશનની 45% શક્યતા દર્શાવી હતી. ઓક્સફર્ડ ઇકોનોમિક્સે ટેરિફથી વૈશ્વિક જીડીપી વૃદ્ધિ 2%થી નીચે જવાની ચેતવણી આપી હતી. બિલ એકમેને તેને “આર્થિક ન્યૂક્લિયર વિન્ટર” ગણાવ્યું હતું. જેપી મોર્ગનના સીઈઓ જેમી ડિમોને ટેરિફને લાંબા ગાળે નુકસાનકારક ગણાવ્યા હતા. એલોન મસ્કે ટેરિફને વૈશ્વિક વેપાર માટે હાનિકારક ગણાવ્યા હતા. નેશનલ ફોરેન ટ્રેડ કાઉન્સિલે પણ રોજગારી ઘટવાની અને ઉપભોક્તા ભાવ વધવાની ચિંતા વ્યક્ત કરી હતી. ટ્રમ્પના આર્થિક એજન્ડાને સમર્થન આપતા આ ઉદ્યોગકારોએ ટેરીફ નીતિ ઉપર પુનર્વિચાર કરવા દબાણ વધાર્યું હતું. ટ્રમ્પના નજીકના સલાહકાર ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ એ પણ બજારની સ્થિરતા માટે વધુ સંતુલિત અભિગમની હિમાયત કરી હતી. આ તજજ્ઞોએ ભાખેલી આગાહીઓ પણ ટ્રમ્પ ઉપર દબાણ લાવવામાં નિમિત્ત બન્યા હતા.
