ઉદયપૂરમાં કોનો ભયંકર ત્રાસ : કેટલા લોકોને મારી નાખ્યા ? વાંચો
રાજસ્થાનમાં ઉદયપૂર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો મુસીબતમાં મુકાયા છે અને ઘાતક બનેલા દીપડાએ જીવન મુશ્કેલ કરી દીધું છે. ગામમાં આવેલા મંદિરમાંથી દીપડો રવિવારે પૂજારીને ઉપાડી ગયો હતો અને એમનું મૃત્યુ થયું હતું. સતત દીપડાના ભયથી ગ્રામજનો ફફડી રહ્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ છેલ્લા 15 દિવસમાં દીપડાએ ગામડાના 6 લોકોને મારી નાખ્યા છે. બાળકો અને મહિલાઓ તો ઘરની બહાર જ નીકળી શકે એમ નથી. રવિવારે રાત્રે મંદિરમાં પૂજારી સૂતા હતા ત્યારે દીપડાએ એમના પર હુમલો કર્યો હતો અને એમનું મોત થઈ ગયું હતું.
આ ઘટનાની જાણ સવારે લોકોને થતાં પોલીસ સહિતના સત્તાવાળાઓને જાણ કરાઇ હતી. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાએ લોકોની નિંદર હરામ કરી નાખી છે. યુપીમાં જે રીતે વરુ ઘાતક બન્યો હતો તે રીતે આ વિસ્તારમાં દીપડાએ ભારે ખોફ ફેલાવી દીધો છે.
પોલીસ સહિતના તંત્રવાહકોએ ગ્રામ્ય લોકોને રાત્રે ઘરના દરવાજા બંધ રાખવા અને ઘરની અંદર જ સુવાની અપીલ કરી છે. રાત્રે પોલીસ સહિત વન્ય અધિકારીઓ પેટ્રોલિંગ કરી રહ્યા છે. દીપડાને પકડવા માટે જાળ બિછાવી દેવાઈ છે.