કોણ છે ડૉ.ટોળીયા ?? રાજકોટના ગર્ભ પરિક્ષણ કાંડમાં મોટી ભૂમિકા, આ રીતે આપતી હતી ગોરખધંધાને અંજામ, વાંચો સમગ્ર માહિતી
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ મવડીના 80 ફૂટ રોડ પર સીતાજી ટાઉનશિપની `સી’ વિંગના ચોથા માળે દરોડો પાડી ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણ કાંડનો પર્દાફાશ કરીને આ કાંડને અંજામ આપનાર સરોજ વિનોદભાઈ ડોડિયા (ઉ.વ.40)ને પકડી પાડી હતી. સરોજના કબજામાંથી પોલીસે ચાર લાખની કિંમતનું સોનોગ્રાફી મશીન પણ પકડ્યું હતું. આ સોનોગ્રાફી મશીન માત્ર ડૉક્ટર અને તે પણ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) સાથે જોડાયેલા હોય તેવા ડૉક્ટરને જ અનેક પ્રક્રિયામાંથી પસાર થયા બાદ મળી શકે તેમ હોવા છતાં ધો.12 પાસ સરોજ પાસે આ મશીન કેવી રીતે આવ્યું તે દિશામાં તપાસ કરાતાં આ મશીન આપવામાં રાજકોટના ડૉ.ટોળિયાની ભૂંડી ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું.
સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે સરોજ તેની એજન્ટ કીર્તિ મારફતે ગર્ભ પરિક્ષણના ગોરખધંધાને અંજામ આપતી હતી. કોઈ પણ ગ્રાહક સીધો સરોજનો સંપર્ક કરી શકતાં ન્હોતા એટલા માટે તે સૌથી પહેલાં કીર્તિ સાથે વાતચીત કરે અને ત્યારબાદ કીર્તિને ભરોસો બેસે એટલે આગળનો દોર સરોજ સંભાળી લેતી અને આ પછી પણ ડાયરેક્ટ ગર્ભ પરિક્ષણ કરવા બોલાવવાને બદલે સરોજ એ ગ્રાહક સાથે તરેહ-તરેહની વાત કરી તેની `પરખ’ કરતી હતી. ગ્રાહક તેને ફસાવશે નહીં તેવું 100% લાગ્યા બાદ જ તે તેના સાથે આગળની પ્રક્રિયા કરવાનો આગ્રહ રાખતી હતી.
દરમિયાન પોલીસે જે સોનોગ્રાફી મશીન કબજે કર્યું છે તેને પ્રારંભીક તપાસ કરતાં આ મશીન ડૉ.ટોળિયા પાસેથી સરોજ ગ્રાહકદીઠ પાંચ હજાર કમિશન લેખે લાવી હોવાનું રટણ તે કરી રહી હતી. તેણે તો એમ પણ કહ્યું કે એક મહિલાનું ગર્ભપરિક્ષણ કરે એટલે 20 હજારમાંથી પાંચ હજાર ડૉ.ટોળિયાને, છ હજાર એજન્ટ કીર્તિને અને બાકીના પૈસા પોતે રાખી લેતી હતી. જો કે તાલુકા પોલીસ દ્વારા ડૉ.ટોળિયાનું નામ સત્તાવાર રીતે ક્યાંય લેવામાં આવ્યું ન હોય ટૂંક સમયમાં જ તે ડૉક્ટરના નામનો ખુલાસો થાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.
એવું પણ જાણવા મળ્યું છે કે સરોજ 20 હજાર રૂપિયા ગર્ભ પરિક્ષણનો ચાર્જ લેતી અને જો તેમાં છોકરી જોવા મળે એટલે કોઈ યુગલ ગર્ભપાત કરાવવા માંગે તો તેના અલગથી 20,000 રૂપિયા લઈને ગર્ભપાત માટે જે-તે જગ્યાએ મોકલતી હતી. એવી શક્યતા પણ રહેલી છે કે સરોજ ગર્ભપાત કરાવવા માટે કોઈ ડૉક્ટરના સંપર્કમાં હોવી જોઈએ અથવા તો ડૉ.ટોળિયા સાથે જ તેની સાંઠગાંઠ હોવી જોઈએ કેમ કે દરોડો પાડનાર પોલીસને ગર્ભપાત સંબંધિત કોઈ જ મશીન કે દવા મળ્યા નથી એટલે ઉપરોક્ત ક્વાર્ટરમાં ગર્ભપાત થઈ રહ્યાનું સામે આવ્યું નથી.
એક સમયે ટ્રેપ ફેઈલ જવાની પણ શક્યતા હતી
પોલીસ દ્વારા અત્યંત સાવધાનીપૂર્વક આ ટ્રેપ ગોઠવવામાં આવી હતી સાથે સાથે અમુક ડિવાઈસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહિલા પોલીસ મીત્તલબેનનું જ્યારે ગર્ભ પરિક્ષણ શરૂ કરાયું ત્યારે જ પોલીસ પહોંચી ગઈ હતી. જો પોલીસને પહોંચવામાં થોડો વિલંબ થયો હોત અથવા તો સરોજને ગંધ આવી ગઈ હોત તો તે મશીનને તોડી પણ શકતી હતી એટલા માટે જ જેવું સિગ્નલ મળ્યું કે પોલીસ સ્ટાફે પહોંચી જઈને બધું હસ્તગત કરી લીધું હતું. જો સરોજે મશીન તોડી નાખ્યું હોત તો રેડ ફેઈલ જવાની શક્યતા પણ રહેલી હતી. વળી, આ ગર્ભ પરિક્ષણ કરતા પહેલાં પણ સરોજે અનેક ગલ્લાતલ્લા કર્યા હતા એટલા માટે પોલીસે એકાદ કલાક સુધી ધરપત રાખી સિગ્નલ મળે તેની રાહ જોવી પસંદ કરી હતી.
માત્ર રોકડેથી જ કરતી વ્યવહારઃ કેટલા `પાપ’ કર્યા તેનો કોઈ જ રેકોર્ડ નથી
તપાસમાં એવો પણ ખુલાસો થવા પામ્યો છે કે સરોજ ડોડિયા ગ્રાહક પાસેથી માત્રને માત્ર રોકડેથી જ પૈસા લેવાનું પસંદ કરતી હતી. જો ઓનલાઈન પેમેન્ટ લ્યે તો તે ગ્રાહકનો ડેટા કોઈને મળી જાય. આ જ કારણથી અત્યાર સુધીમાં તેણે કેટલા ગર્ભ પરિક્ષણ કર્યા અથવા કોણે કોણે કરાવ્યા તેનો કોઈ જ રેકોર્ડ પોલીસના હાથ લાગ્યો ન્હોતો. હવે તાલુકા પોલીસ ધારે તો મુળમાં જઈને ગર્ભ પરિક્ષણ કરાવનારને શોધીને તેમની સામે પણ ગુના નોંધી શકે છે સાથે સાથે ડૉ.ટોળિયાનું નામ ખોલીને તેને પણ પકડી શકે છે.
કાંડનો પર્દાફાશ કરાવવામાં ડૉક્ટર જ થયા મદદરૂપ
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે ગર્ભ પરિક્ષણ થઈ રહ્યાની માહિતી એક ડૉક્ટરને જ મળી હતી અને તેમણે જ એક જાગૃતિ નાગરિક તરીકે પોલીસને જાણ કરી હતી. ડૉક્ટર દ્વારા સરોજની એજન્ટ કીર્તિનો નંબર સહિતની વિગત અપાતાં જ પોલીસે ઓપરેશન શરૂ કર્યું અને પંદર દિવસ સુધી રાહ જોયા બાદ આખરે મોટા કાંડનો પર્દાફાશ કર્યો હતો.
વાહનમાં નંબરપ્લેટ ન જોઈને સરોજને એક સમયે શંકા પણ ગઈ’તી
મહિલા પોલીસ જ્યારે સીતાજી ટાઉનશિપમાં પહોંચી ત્યારે સીધા તેમને એન્ટ્રી મળી ન્હોતી. સરોજે તેમને આમ-તેમ ફેરવ્યા બાદ ઘરનું સરનામું આપ્યું હતું. આ વેળાએ ગર્ભ પરિક્ષણ કરાવવા જનાર મહિલા પોલીસના વાહનમાં નંબરપ્લેટ ન હોવાનો ખ્યાલ પણ તેને આવી જતાં તેણે તુરંત પૂછયું હતું કે વાહનમાં નંબરપ્લેટ કેમ નથી ? જો કે પોલીસે શિફ્તપૂર્વક જવાબ આપતાં સરોજને તે ગળે ઉતરી જતાં મહિલાઓને સરોજના ઘરમાં એન્ટ્રી મળી હતી.
મશીન ક્યારે અંદર આવી ગયું કોઈને ખબર ન પડી !
જ્યાં દરોડો પડ્યો તે સીતાજી ટાઉનશિપમાં કુલ ચાર વિંગ આવેલી છે. પોલીસે `સી’ વિંગના ચોથા માળે રેડ કરી સરોજને પકડી હતી. જો કે પોલીસ પહોંચી ત્યારે ત્યાં સોનોગ્રાફી મશીન ઉપલબ્ધ ન્હોતું. મહિલા પોલીસને અડધો કલાક સુધી બેસાડી રાખ્યા બાદ સરોજે મશીનની વ્યવસ્થા કરી હતી પરંતુ તેણે મશીન કઈ વિંગમાંથી પોતાના ફ્લેટ સુધી પહોંચાડી દીધું તે પણ કોઈને ખબર પડી ન્હોતી. જો મશીન આવ્યું તે પહેલાં પોલીસ પહોંચી ગઈ હોત તો આ બધી જ મહેનત ઉપર પાણી ફરી ગયું હોત…!
સરોજ એક દિ’ના રિમાન્ડ પરઃ પાંચ વર્ષ પહેલાં થયા’તા છૂટાછેડા
એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.બી.ધાસુરા, એએસઆઈ રાજુભાઈ બાળા, હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચૌહાણ, સિદ્ધરાજસંહ જાડેજા, અરુણભાઈ બાંભણિયા કોન્સ્ટેબલ અનોપસિંહ ઝાલા સહિતની ટીમે સરોજને રંગેહાથ પકડી પાડ્યા બાદ તેની સોંપણી તાલુકા પોલીસ મથકને કરવામાં આવતાં સરોજને એક દિવસના રિમાન્ડ ઉપર લેવામાં આવી હતી. આ અંગે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ કે.એચ.કારેણાએ જણાવ્યું કે સરોજે અત્યારે કેટલા ગર્ભ પરિક્ષણ કર્યા છે, કોણ કોણ તેની સાથે સંડોવાયેલું છે તે સહિતની બાબતે તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં સરોજે કેટલા ગર્ભ પરિક્ષણ કર્યા તેનો ખ્યાલ તેમને ન હોવાનું જણાવ્યું હતું.