કાળઝાળ ગરમી વચ્ચે યુપી-બિહારમાં વરસાદે મચાવી તબાહી : વીજળી પડતાં 28 લોકોના મોત
ગુરુવારે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને કરા પડવાથી ૬ લોકોના મોત થયા હતા અને સાત લોકો ઘાયલ થયા હતા. એ જ રીતે બિહારમાં પણ ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ વીજળી પડતાં ગુરુવાર સુધીમાં ૨૨ લોકોના મોત થયા હતા. બિહારના મધુબનીમાં મંદિરના શિખરમાં તિરાડ પડી ગઈ હતી અને એક વૃક્ષ બળીને રાખ થયું હતું. આમ દેશના કેટલાક રાજ્યોમાં અતિ ભયાનક ગરમી સાથએ વરસાદ પણ થયો હતો અને વીજળીએ તબાહી મચાવી હતી. બંને રાજ્યોમાં પાકને ભારે નુકસાની થઈ છે .
યુપીમાં વરસાદ અને કરા પડવાથી ઘણા જિલ્લાઓમાં ઘઉંના પાકનો પણ નાશ થયો છે. આજના વિનાશક વરસાદ અને પાકને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રીએ તમામ સંબંધિત જિલ્લાઓના અધિકારીઓને રાહત પહોંચાડવાના આદેશો આપ્યા છે.
ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં કુદરતી આફતે ભારે તબાહી મચાવી દીધી. વીજળી પડવાથી બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક છોકરી સહિત પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. બધા ઘાયલોને હાથગાંવ સીએચસીમાં દાખલ કરવામાં આવ્યા છે. પશુઓ ચરાવતી વખતે વીજળી પડવાથી આ અકસ્માત થયો હતો.
૮ જિલ્લામાં વીજળી પડી
કાળઝાળ ગરમી વચ્ચે બિહારના આઠ જિલ્લામાં અચાનક વીજળી પડતાં 22 લોકોના મોત નીપજ્યા હતા. બુધવારે સત્તાવાર રીતે કરવામાં આવેલી જાહેરાતમાં 13ના મોત થયા હતાં. પરંતુ ગુરૂવારે આ આંકડો વધી 22 થયો હતો. મોતનો આંકડો હજુ પણ વધવાની આશંકા છે.