જપ્ત જહાજમાં રહેલી ભારતીય મહિલા ક્યાં આવી ? વાંચો
વિદેશ મંત્રાલયે ગુરુવારે એવી માહિતી આપી હતી કે , 13 એપ્રિલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા જપ્ત કરવામાં આવેલા કાર્ગો જહાજના ક્રૂનો ભાગ રહેલી એક મહિલા સુરક્ષિત રીતે ઘરે પહોંચી ગઈ હતી. તેહરાનમાં ભારતીય મિશન અને ઈરાન સરકારના સંયુક્ત પ્રયાસોથી આ કામ પાર પડ્યું છે. કેરળના થ્રિસુરની ભારતીય ડેક કેડેટ એન ટેસા જોસેફ, જે કન્ટેનર જહાજ ના ભારતીય ક્રૂ સભ્યોમાં સામેલ હતા, તેમને સુરક્ષિત રીતે કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.
13 એપ્રિલે ઈરાનની નેવીએ ભારત આવી રહેલા કાર્ગો જહાજને જપ્ત કર્યું હતું. જહાજના ક્રૂ 25 સભ્યો છે. જેમાંથી 17 ભારતીય નાગરિકો છે. ઈરાન દ્વારા જપ્ત કરવામાં આવેલા ઈઝરાયેલના માલવાહક જહાજમાં સવાર 17 ભારતીયોમાં કેરળની એક મહિલાનો સમાવેશ થાય છે, જેઓ સુરક્ષિત રીતે દેશમાં પરત ફર્યા છે.
એન ટેસા જોસેફ એ 17 ભારતીય નાગરિકોમાં સામેલ છે જેઓ કન્ટેનર જહાજ પર સવાર હતા જ્યારે તેને ગયા અઠવાડિયે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક ઈરાની દળો દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું. સરકારે કહ્યું કે તહેરાનમાં ભારતીય મિશન કન્ટેનર જહાજના બાકીના 16 ભારતીય ક્રૂ સભ્યોના સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ક્રૂ સભ્યોની તબિયત સારી છે અને તેઓ ભારતમાં તેમના પરિવારના સભ્યોના સંપર્કમાં છે. અગાઉ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આ મુદ્દે પોતાના ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાહિયન સાથે વાત કરી હતી.