ટમેટાં સહિતની ચીજોના ભાવ ક્યારે નીચે આવશે ? કઈ રીતે ? જુઓ
દેશમાં અત્યારે ઘણા શહેરોમાં ટમેટાના છૂટક ભાવ 75 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે અને દક્ષિણના રાજ્યોમાંથી સપ્લાયમાં સુધારાને કારણે આગામી દિવસોમાં ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે પુરવઠામાં વિક્ષેપને કારણે બટાટા અને ડુંગળીના ભાવમાં પણ વધારો થયો હતો, પરંતુ તે ટૂંક સમયમાં સ્થિર થવાની અપેક્ષા છે.
સામાન્ય રીતે વરસાદની સિઝનમાં આ પ્રકારે જ દર વર્ષે ભાવમાં વધારો જોવા મળે છે પણ આ વખતે અસહ્ય વધારો થતાં લોકોની રાડ ફાટી ગઈ હતી અને કેન્દ્ર સરકારે પણ તેની નોંધ લઈને મંત્રાલયોને કામે લગાડ્યા હતા.
રિપોર્ટ અનુસાર, ગ્રાહક બાબતોના મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હી અને કેટલાક અન્ય શહેરોમાં ટામેટાં, બટાકા અને ડુંગળીના ભાવ ખૂબ ઊંચા છે. ભારે ગરમી અને ત્યારપછીના ભારે વરસાદને કારણે પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે ઘણી જગ્યાએ ભાવમાં ઉછાળો આવ્યો છે.
કિંમત 75 રૂપિયા પ્રતિ કિલો છે
અધિકારીએ જણાવ્યું હતું કે નવી દિલ્હીમાં ટામેટાની કિંમત વધીને રૂ. 75 પ્રતિ કિલો થઈ ગઈ છે, પરંતુ જો ભારે વરસાદને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ ન જાય તો તેમાં ઘટાડો થવાની શક્યતા છે. અત્યારે ઘણા શહેરોમાં ભાવ રૂપિયા 75 ઉપર પહોંચી ગયા છે.
મંત્રાલયના ડેટા અનુસાર, 12 જુલાઈના રોજ દિલ્હીમાં ટમેટાની છૂટક કિંમત 75 રૂપિયા પ્રતિ કિલો હતી, જે એક વર્ષ પહેલા આ સમયગાળા દરમિયાન 150 રૂપિયા પ્રતિ કિલો હતી. મુંબઈમાં તેની કિંમત 83 રૂપિયા પ્રતિ કિલો અને કોલકાતામાં 80 રૂપિયા પ્રતિ કિલો હતી.