ચંદ્રતારા હાથીનું શું થશે ?? શું હવે બાંગ્લાદેશના હાથી પણ ભારતમાં ઘુસણખોરી કરશે ?? વાંચો વિશેષ અહેવાલ
ચંદ્રતારા એક હાથીનું નામ છે. હાથી સ્વભાવ શાંત છે અને દેખાવે ભવ્ય છે. પણ આ જ ગમે એવો હાથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગરમાગરમ કાનૂની લડાઈનો મોટો મુદ્દો બની ગયો છે. આ આખો મુદ્દો જંગલોમાં શરૂ થાય છે. જંગલોમાં પ્રાણીઓ મુક્ત મને વિચરતા હોય છે. જંગલોમાં કોઈ રાજકીય સીમાઓ દોરેલી હોતી નથી. એ હાથી પણ મન ફાવે ત્યાં ભટકતો હતો. એની મસ્તીમાં ગુલતાન એવો હાથી ભટકતા ભટકતા બોર્ડર ક્રોસ કરી ગયો અને હવે બંને દેશોનું કામ વધી ગયું.
ચંદ્રતારાની જંગલ-યાત્રાએ અણધાર્યો વળાંક ત્યારે લીધો જ્યારે તે બાંગ્લાદેશ સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશ્યો. આ હાથી પહેલી વાર ગયા વર્ષે ૧૧ સપ્ટેમ્બરના રોજ ત્રિપુરાના ઉનાકોટી જિલ્લાના એક સરહદી ગામ પાસે જોવા મળ્યો હતો. તે અસુરક્ષિત વિસ્તારમાંથી પસાર થઈને ભારતમાં પ્રવેશ્યો અને આખરે ભારતના બોર્ડર સિક્યુરિટી ફોર્સના (BSF) ધ્યાનમાં આ હાથી આવ્યો. આપણી ફોર્સને આશ્ચર્ય પણ થયું કે અચાનક આ અજાણ્યો હાથી ક્યાંથી આવી ચડ્યો ?
થોડા સમય પછી, બાંગ્લાદેશના મૌલવી બજારના રહેવાસી અતિકુર રહેમાને દાવો કર્યો કે ચંદ્રતારા તેમનો હાથી હતો. જો કે, પરિસ્થિતિ વધુ જટિલ બની ગઈ જ્યારે બે ભારતીય ગ્રામજનોએ પણ આગળ આવીને તેના પર માલિકીનો દાવો કર્યો.
“જ્યારે અમને હાથી વિશે માહિતી મળી, ત્યારે અમે તેને બચાવી લીધો,” એક વરિષ્ઠ ભારતીય વન્યજીવન અધિકારીએ જણાવ્યું. પરંતુ બે ગ્રામજનોએ તરત જ દાવો કર્યો કે આ હાથી તો તેમનો છે! જો કે તેઓ પુરાવા આપી શક્યા નહીં. માટે અત્યારે હાથી ભારત સરકારના તાબામાં છે.
બાંગ્લાદેશના અતિકુરે પોતાની માલિકી સાબિત કરવા માટે તાત્કાલિક પગલાં લીધાં. તેણે ભારતમાં રહેતા તેના સંબંધીઓ દ્વારા BSF અને ત્રિપુરા વન વિભાગને ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજો મોકલ્યા. તેમણે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) માં સત્તાવાર ફરિયાદ અને બાંગ્લાદેશના કમલગંજ પોલીસ સ્ટેશનમાં જનરલ ડાયરી (GD) નોંધાવીને કાયદેસરની પ્રક્રિયા દ્વારા વિધિવત આગળ વધ્યો. .
અતિકુરની ફરિયાદ બાદ, BSF અને BGB વચ્ચે ફ્લેગ મીટિંગ યોજાઈ હતી. બેઠક દરમિયાન, અતિકુરે પોતાના દાવાના સમર્થનમાં દસ્તાવેજો રજૂ કર્યા. જો કે, ચંદ્રતારા પહેલેથી જ ત્રિપુરા વન વિભાગની કસ્ટડીમાં હોવાથી, BSF તેને પરત કરી શક્યું નહીં. કોઈ ઉકેલ ન આવતાં, મામલો હવે ત્રિપુરાના ઉનાકોટી જિલ્લાની કોર્ટમાં ગયો છે, જ્યાં સુનાવણી થવાની છે. દરમિયાન, ચંદ્રતારાની સંભાળ મુંગિયાકામીના હાથી શિબિરમાં રાખવામાં આવી રહી છે.
બાંગ્લાદેશી અતિકુર આશાવાદી છે અને એક વિડિઓમાં કહે છે, “ભારત એક મહાન દેશ છે અને મને તેની કાયદાકીય વ્યવસ્થામાં વિશ્વાસ છે. મને વિશ્વાસ છે કે ચંદ્રતારા જલ્દી મારી પાસે પાછો આવશે.’’
ચંદ્રતારાની વાર્તા એક મોટા મુદ્દાને ઉજાગર કરે છે અને તે મુદ્દો છે બાંગ્લાદેશમાં હાથીઓની ઝડપથી ઘટતી વસ્તી. આ દેશ એક સમયે ઘણા એશિયન હાથીઓનું ઘર હતું, પરંતુ હવે દેશમાં ફક્ત 200 જંગલી હાથી બચ્યા છે, જેમાંથી લગભગ અડધા તો કેદમાં છે. હાથીઓની સંખ્યામાં થતો આ ઘટાડો શિકાર, હાથીઓના રહેઠાણની અછત અને લાકડા કાપવા અથવા સર્કસ માટે નાના હાથીઓને પકડવા જેવી અનૈતિક પ્રથાઓને કારણે છે. એક ઐતિહાસિક પગલામાં, બાંગ્લાદેશ હાઈકોર્ટે તાજેતરમાં જંગલી હાથીઓના શોષણને રોકવા અને સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે તેમને કાનૂની રક્ષણ આપ્યું છે.
બાંગ્લાદેશમાં પીપલ ફોર એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશનના વડા રકીબુલ હક અમીલે આ નિર્ણયને મોટી સફળતા ગણાવી હતી. “બંદી બનાવેલા હાથીઓ સાથે ક્રૂર વર્તન કરવામાં આવે છે, ઘણીવાર તેમને તેમની માતાઓથી અલગ કરવામાં આવે છે અને યુક્તિઓ શીખવા માટે ત્રાસ આપવામાં આવે છે. અમે તેમના પુનર્વસન માટે પ્રતિબદ્ધ છીએ,” તેમણે ઉમેર્યું કે, થાઇલેન્ડ અને નેપાળ જેવા અન્ય દેશોએ પણ સમાન પ્રયાસોમાં સફળતા મેળવી છે.
ચંદ્રતારાના કેસ ફક્ત માલિકીનો નથી. આ સરહદ પાર હાથીઓના વધુ સારા રક્ષણ અને સંભાળની જરૂરિયાત પર ભાર મૂકે છે. કાનૂની લડાઈ ચાલુ હોવાથી, ભારત અને બાંગ્લાદેશ બંનેએ ભવિષ્યમાં આ હાથીઓનું રક્ષણ કેવી રીતે કરવું તે પણ વિચારવું પડશે. હાલમાં, ચંદ્રતારા સુરક્ષિત છે અને બધા કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ કિસ્સો આપણને યાદ અપાવે છે કે પ્રાણીઓને સરહદ નડતી નથી, સરહદ તો માણસનું સંશોધન છે.