પાક સાથે ટેન્શન વચ્ચે પંજાબ પોલીસને શું મળી સફળતા ? વાંચો
પાક સાથે ભારે ટેન્શન વચ્ચે પંજાબ પોલીસને એક મોટી સફળતા મળી હતી. અમૃતસરમાં પોલીસે એક મોટા જાસૂસી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે બે જાસૂસોની ધરપકડ કરી છે, જેઓ પાકિસ્તાન માટે કામ કરી રહ્યા હતા. એવો આરોપ છે કે બંને જાસૂસો ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલી રહ્યા હતા. આ બંનેનું કનેક્શન પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે હોવાનું માનવામાં આવી રહ્યું છે. બંનેને સખત પૂછતાછ કરાઇ રહી છે. એમણે સેના અને એર બેઝની જાણકારી લીક કરી હતી.
આરોપીઓની ઓળખ પલક શેર મસીહ અને સૂરજ મસીહ તરીકે થઈ છે. આરોપીઓએ દુશ્મનને આર્મી કેમ્પ અને એરબેઝના ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા. પંજાબ પોલીસે આ ઘટના અંગે માહિતી આપી છે. પંજાબ ડીજીપીના x હેન્ડલ પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “એક મોટી જાસૂસી વિરોધી કાર્યવાહીમાં, અમૃતસર ગ્રામીણ પોલીસે 3 મેના રોજ પલક શેર મસીહ અને સૂરજ મસીહ નામના બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
આ અંગે વધુમાં જણાવવામાં આવ્યું કે “બંને આરોપીઓ અમૃતસરમાં આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારો અને એરફોર્સ બેઝની સંવેદનશીલ માહિતી અને ફોટોગ્રાફ્સ પાકિસ્તાન મોકલી રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેમના પાકિસ્તાની ગુપ્તચર એજન્ટો સાથે સંબંધો છે, જે હરપ્રીત સિંહ ઉર્ફે પિટ્ટુ ઉર્ફે હેપ્પી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા છે. હરપ્રીત સિંહ ઉર્ફે પિટ્ટુ હાલમાં અમૃતસર સેન્ટ્રલ જેલમાં બંધ છે.”
હાલમાં ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, અને તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા પછી વધુ મહત્ત્વપૂર્ણ ખુલાસાઓ થવાની અપેક્ષા છે.” આ બંને કેટલા સમયથી આ કામ કરી રહ્યા હતા તે બારામાં તપાસ થઈ રહી છે.
