ભારત હવે કઈ બીજી સિધ્ધી મેળવવા સજ્જ છે ? શું થશે સર્જન ? વાંચો
ભારત પોતાનું જનરેટિવ એઆઈ મોડેલ વિકસાવવા માટે તૈયાર છે, જે ઓપન એઆઇના ચેટ જીપીટીને અને ચીનના ડીપસીક જેવા વૈશ્વિક ખેલાડીઓ સાથે સ્પર્ધા કરશે. કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે ઓડિશા કોન્ક્લેવમાં આ જાહેરાત કરી હતી. દુનિયામાં ટેકનોલોજીના સેક્ટરમાં ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે અને તેમાં આગળ વધી રહ્યો છે .

જનરેટિવ એઆઈ વાસ્તવમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું જ એક વર્ઝન છે. જનરેટિવ એઆઈ મશીન લર્નિંગ મોડેલ્સનો ઉપયોગ કરીને પ્રોમ્પ્ટ્સના આધારે નવી સામગ્રી જનરેટ કરે છે. આ સામગ્રી ટેક્સ્ટ, છબીઓ, વિડિઓઝના સ્વરૂપમાં જનરેટ થાય છે.
ભારત સરકાર એઆઈ સંશોધન અને માળખાગત સુવિધાઓમાં સતત રોકાણ કરી રહી છે, આ રોકાણનો હેતુ વિદેશી એઆઈ મોડેલો પર નિર્ભરતા ઘટાડવાનો છે.
વૈષ્ણવે જણાવ્યું હતું કે ૧૮,૦૦૦ જીપીયુ સાથે, ભારત એક સ્વદેશી એઆઈ મોડેલ બનાવવાના માર્ગે છે જે રાષ્ટ્રની ભાષા, આર્થિક અને સામાજિક જરૂરિયાતોને પૂર્ણ કરશે.
તેમણે કહ્યું હતું કે “અમારું માનવું છે કે ઓછામાં ઓછા છ મોટા વિકાસકર્તાઓ છ થી આઠ મહિનામાં એઆઈ મોડેલ બનાવી શકે છે, જેમાં કેટલાક સંભવિત રીતે ચાર થી છ મહિનામાં પરિણામો આપી શકે છે.” બજેટમાં પણ આ માટે મોટી ફાળવણીની અપેક્ષા રાખવામાં આવી રહી છે . યુવકો અને અનેક ક્ષેત્રના લોકો માટે આ ટેકનોલોજી ખૂબ જ સર્જનાત્મક બનશે .