ગર્ભપાત અંગે સુપ્રીમ કોર્ટનો શું નિર્ણય ? જુઓ
કેટલા વર્ષની પીડિતાને આપી મંજૂરી ?
સુપ્રીમકોર્ટે એક મહત્વનો ફેસલો લઈને 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 30 અઠવાડિયાનો ગર્ભ દૂર કરવા માટે મંજૂરી આપી દીધી હતી. મહારાષ્ટ્રની દુષ્કર્મ પીડિતાએ ગર્ભપાત કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના પર 19 એપ્રિલે કોર્ટે તાત્કાલિક સુનાવણી કરી પીડિતાનો મેડિકલ તપાસ કરાવવાનો આદેશ આપ્યો હતો.
આ મામલે સગીરાની માતાએ અગાઉ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. 4 એપ્રિલે બોમ્બે હાઈકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી ન હતી. આ પછી બાળકીની માતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મામલે સુનાવણી સીજેઆઈ ચંદ્રચુડ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને ફગાવી દીધો હતો અને સગીરાનું મેડિકલ ચેકઅપ કરવાનો આદેશ આપ્યો હતો.
આ મામલે આઇપીસીની કલમ 376 અને પોકસો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ચંદ્રચુડની ખંડપીઠે છેલ્લી સુનાવણીમાં કહ્યું હતું કે જાતીય શોષણ અંગે બોમ્બે હાઈકોર્ટે જે મેડિકલ રિપોર્ટને આધાર બનાવેલો તે સગીર પીડિતાની શારીરિક અને માનસિક સ્થિતિનું આકલન કરવામાં નિષ્ફળ રહ્યો છે.