હરિયાણામાં શું રંધાઈ રહ્યું છે ?
કોણે કરી ફ્લોર ટેસ્ટની માંગણી ?
હરિયાણામાં સર્જાયેલી રાજકીય કટોકટી વધુ ઘેરી બની રહી છે અને ભાજપ સરકાર પર ખતરો વધી રહ્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી જેજેપીના વડા દુષ્યંત ચૌટાલાએ હરિયાણાના રાજ્યપાલને ગુરુવારે પત્ર લખ્યો હતો જેમાં તેમણે રાજ્યપાલને વિધાનસભાનું સત્ર બોલાવવા અને ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી. જો કે મુખ્યમંત્રી સૈનીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમારી સરકાર પર કોઈ જોખમ નથી.
હરિયાણામાં ભાજપ સરકારમાંથી ત્રણ અપક્ષ ધારાસભ્યોએ સમર્થન પાછું ખેંચી લીધું છે અને આવી સ્થિતિમાં સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ બેઠક બોલાવાઈ હતી અને રણનીતિ ઘડવામાં આવી હતી.
હરિયાણાના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને જેજેપી નેતા દુષ્યંત ચૌટાલાએ પત્રમાં લખ્યું કે, ‘અમે વર્તમાન સરકારને ટેકો આપતા નથી અને હરિયાણામાં સરકાર બનાવવા માટે કોઈપણ અન્ય રાજકીય પક્ષને સમર્થન આપવા માટે અમારા દરવાજા ખુલ્લા છે. બે ધારાસભ્યોના રાજીનામા બાદ ગૃહમાં સંખ્યાબળ 88 થઈ ગયું છે.
આવી સ્થિતિમાં ભાજપ પાસે 40, કોંગ્રેસ પાસે 30, જેજેપી પાસે 6, હાલોપા અને આઈએનએલડી પાસે 1-1 ધારાસભ્ય છે. તેથી સરકાર પાસે બહુમતીના આંકડા નથી. તેથી સરકારે વિધાનસભાનું સત્ર બોલાવીને ફ્લોર ટેસ્ટ પાસ કરવો જોઈએ.’
હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, ‘લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના નેતાઓ પોતાની ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સરકાર લઘુમતીમાં નથી અને ખૂબ જ મજબૂતીથી કામ કરી રહી છે. સરકારને કોઈપણ પ્રકારની સમસ્યા નથી.’