પનીર, ડ્રગ્સ, બીડી…SOGએ ત્રણ દિ’ની અંદર રાજકોટમાં પકડ્યા `મોટા દૂષણ’
- શીતલ પાર્ક ચોક પાસે, શાસ્ત્રીનગર-૬માં ફર્નિચરના કારખાનાની આડમાં પનીર બનાવવાના ચાલતાં ગોરખધંધા પર દરોડો: ૮૦૦ કિલો શંકાસ્પદ જપ્ત
- પુષ્કરધામ રોડ પર ભવાનીનગર-૧માંથી ૨૧.૩૫ ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે કોલેજિયન પકડાયો
- બજરંગવાડી શેરી નં.૧૩માં `બાગે રહેમત’ નામના મકાનમાં નકલી બીડી બનાવવાનું કારખાનું મળ્યું
રાજકોટ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) વાસ્તવિક રીતે `એક્ટિવ મોડ’માં કાર્યવાહી કરી રહી હોય તેવી રીતે ત્રણ દિવસની અંદર શહેરમાંથી ત્રણ મોટા દૂષણ પકડી પાડી નકલીનો `ખેલ’ તેમજ ડ્રગ્સ વેચાણના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. એસઓજીએ શીતલ પાર્ક ચોક પાસે શાસ્ત્રીનગર-૬માંથી ૮૦૦ કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડ્યો હતો તો પુષ્કરધામ રોડ પર ભવાનીનગર-૧માંથી ૨૧.૩૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે કોલેજિયન યુવકને દબોચી લીધો હતો. આ જ રીતે બજરંગવાડી શેરી નં.૧૩માં `બાગે રહેમત’ નામના મકાનમાં ધમધમી રહેલા નકલી બીડીના કારખાનું પણ પકડ્યું હતું.
એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ હરિયાણી સહિતની ટીમે શીતલ પાર્ક ચોક પાસે આવેલા શાસ્ત્રીનગર-૬માં `પ્રાઈમ પ્લાસ્ટ’ નામના ફર્નિચરનું બોર્ડ મારેલી જગ્યા પર જઈને ચેકિંગ કરતાં ત્યાં પનીર તૈયાર કરવામાં આવી રહ્યું હતું. અહીંથી પોલીસને ૮૦૦ કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવતાં તેમાં કોઈ મીલાવટ છે કે કેમ, અસલી છે કે નહીં તે સહિતની ખરાઈ માટે નમૂનો એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો. પનીર ઉપરાંત સ્થળ પરથી ૨૧ ગેસના બાટલા કે જેનું કોઈ કનેક્શન પણ ન્હોતું કે બિલ પણ ન્હોતા ! આ સિવાય પનીર બનાવવા માટેનું અલગ-અલગ મટિરીયલ, એસિટીક એસિડ, ફ્લેક્સ, બોક્સ, પેકિંગ સ્ટીકલ, વિશ્વાસ ગોલ્ડ કુકિંગ ઓઈલના ચાર ડબ્બા સહિતનો સામાન મળી આવ્યો હતો. આ દરોડા વખતે ફૂડ એન્ડ ડ્રગ્સ ઈન્સ્પેક્ટરને પણ સાથે રાખવામાં આવ્યા હતા. આ પનીર હાર્દિક ઘનશ્યામભાઈ કારિયા નામના શખ્સની દેખરેખ હેઠળ તૈયાર થઈ રહ્યાનું ધ્યાન પર આવ્યું હતું.

આ ઉપરાંત એસઓજી ટીમે પુષ્કરધામ રોડ પર ભવાનીનગર-૧ના ખૂણે વોચ ગોઠવ્યા બાદ ત્યાંથી નંબર પ્લેટ વગરનું સ્કૂટર લઈને પસાર થઈ રહેલા અંશુ ઉર્ફે અંશુડો બાબુભાઈ ચૌહાણ (ઉ.વ.૨૦, રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર, બ્લોક નં.૮)ને ૨૧.૩૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કે જેની કિંમત ૨,૧૩,૫૦૦ રૂપિયા થાય છે તેની સાથે પકડ્યો હતો. અંશુ ઉર્ફે અંશુડો હાલ અભ્યાસ કરી રહ્યો હોવાનું ખુલ્યું હતું. જો કે તેને ડ્રગ્સની લત લાગી જતાં મીત્ર સાથે મળીને મુંબઈથી ખેપ મારીને આવ્યો હતો. આ ડ્રગ્સ વેચીને પોતાને પીવાનો ખર્ચો કાઢવાનો તેનો પ્રયાસ હતો પરંતુ પોલીસે તેને દબોચી લીધો હતો.
જ્યારે એસઓજીની અન્ય એક ટીમે બજરંગવાડી, શેરી નં.૧૩માં `બાગે રહેમત’ નામના મકાનમાં દરોડો પાડી તલાશી લેતાં ત્યાંથી કાગળમાં વીટેલી બીડીની ઝુડીનો જથ્થો ઉપરાંત લીલા રંગના સાબળે બીડી લખેલા કાગળ, ગુલાબી રંગના ઝુડી પેકિંગ માટેના સાબળે બીડી લખેલા કાગળ, સાબળે બીડી લખેલા ગોળ સ્કીટર, સંભાજી બીડી લખેલા ગોળ સ્ટીકર, સાબળે વાધીરે બીડી લંબચોરસ સ્ટીકર સહિતનો જથ્થો મળી આવતાં આ નકલી બીડી તૈયાર કરનારની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સંભાજી-સાબળે બ્રાન્ડની નકલી બીડી તૈયાર કરાતી’તી
એસઓજીએ બજરંગવાડીમાં જ્યાં દરોડો પાડ્યો ત્યાંથી હાથે તૈયાર કરેલી બીડી ઉપર સાબળેવાધીરે, સંભાજી સહિતની બ્રાન્ડના સ્ટીકર તેમજ કાગળ વીંટાળી આપવામાં આવતાં હતા. આ ગોરખધંધો ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
૨૫૦નું પનીર ૧૫૦ રૂપિયામાં ધાબડાતું
એસઓજીએ શાસ્ત્રીનગર-૬માં દરોડો પાડીને ૮૦૦ કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે તે પનીર ૧૫૦ રૂપિયામાં વેચવામાં આવતું હોવાનું ખુલ્યું છે. સામાન્ય રીતે સારી ક્વોલિટીનું પનીર ૨૫૦ કે તેનાથી વધુની કિંમતે બજારમાં વેચાતું હોય છે પરંતુ પામોલીન ઓઈલ, ફ્લેક્સ સહિતને મીક્સ કરીને તૈયાર કરાયેલું પનીર માત્ર ૧૫૦ રૂપિયામાં જ રાજકોટની અલગ-અલગ હોટેલો તેમજ ડેરીઓમાં વેચવામાં આવતં હોવાનું ખુલ્યું છે.
ધોયેલા કપડાં દોરી પર ટીંગાડેલા હોય’ને તેનું પાણી પનીર ઉપર પડતું !
એસઓજીએ દરોડો પાડ્યો ત્યારે તેના ધ્યાન ઉપર ચોંકાવનારી વાત આવી હતી. આ પનીર ઉત્તરપ્રદેશ-બિહારના શખ્સો કે જે બેથી ત્રણ ધોરણ સુધી જ ભણેલા હોય છે તેમના દ્વારા તૈયાર કરાતું હતું. અહીં છેલ્લા એક વર્ષથી પનીર તૈયાર કરીને વેચવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું હતું ત્યારે સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ લોકો દ્વારા કપડાં ધોઈને દોરી પર ટીંગાડી દેવામાં આવતા અને ધોયેલા કપડાંનું પાણી જ્યાં પડતું હતું ત્યાં જ નીચે તૈયાર કરેલું પનીર મુકવામાં આવ્યું હતું !!