લાદેનના પુત્ર અંગે શું થયો ધડાકો ? ક્યાં રહે છે ? જુઓ
અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા બિન લાદેન હજુ પણ જીવિત છે અને આતંકવાદી સંગઠનનું નેતૃત્વ કરી રહ્યો છે. ધ મિરરે ગુપ્તચર અહેવાલોને ટાંકીને આ માહિતી આપી છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે હમઝા તેના ભાઈ અબ્દુલ્લા બિન લાદેન સાથે અફઘાનિસ્તાનમાં છુપાઈને અલકાયદા ચલાવી રહ્યો છે. પશ્ચિમી દેશો પર હુમલાની તૈયારી પણ કરી રહ્યો છે.
તાલિબાન વિરોધી સૈન્ય જોડાણ, નેશનલ મોબિલાઇઝેશન ફ્રન્ટએ પણ હમઝા અને તેના સહયોગીઓની કામગીરી અંગેનો અહેવાલ રજૂ કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હમઝા 450 સ્નાઈપર્સની સુરક્ષામાં ઉત્તર અફઘાનિસ્તાનમાં છુપાયેલો છે.
રિપોર્ટમાં ચેતવણી આપી છે કે 2021માં કાબુલ પર તાલિબાનોના કબજા બાદ ઘણા આતંકવાદી સંગઠનોએ તેને ટ્રેનિંગ સેન્ટર બનાવી દીધું છે. હમઝા બિન લાદેનને દારા અબ્દુલ્લા ખેલ જિલ્લામાં (પંજશીરમાં) લાવવામાં આવ્યો છે, જ્યાં 450 અરબ અને પાકિસ્તાનીઓ તેની સુરક્ષા કરી રહ્યા છે.
હમઝાના આદેશ પર અલ કાયદાનું પુનર્ગઠન થઈ રહ્યું છે અને તેણે પશ્ચિમી લક્ષ્યો પર હુમલાની તૈયારી શરૂ કરી દીધી છે. રિપોર્ટમાં એવા દાવાઓને પણ રદિયો આપવામાં આવ્યો છે કે હમઝા 2019માં યુએસ એરસ્ટ્રાઈકમાં માર્યો ગયો હતો. હમઝાના મોતના સમાચાર એવા સમયે આવ્યા હતા જ્યારે અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોમાં હુમલાની ધમકી આપતા તેના વીડિયો અને ઓડિયો સામે આવ્યા હતા.