માલદીવના વડા મોઈઝઝૂ અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠકમાં શું થયું ? વાંચો
થોડાક સમય પહેલા ભારત સામે અક્કડ વલણ દેખાડનાર માલદિવના રાષ્ટ્રપતિ મોઈઝઝૂ વડાપ્રધાન મોદી સામે નત મસ્તક થઈ ગયા હતા. 5 દિવસની ભારત યાત્રા પર આવેલા આ નેતાએ ભારતની સુરક્ષા અંગે કોઈ છેડછાડ નહીં કરવા ખાતરી સાથે મદદ કરવાની કાકલૂદી કરતાં મોદીએ એમની ઝોળીમાં કેટલીક ગિફ્ટ નાખી દીધી હતી.
વડાપ્રધાન મોદી સાથે સોમવારે મોઈઝઝૂની બેઠક થઈ હતી. બંને દેશો વચ્ચે કેટલાક કરાર થયા હતા. રૂપિયા 3 હજાર કરોડની કરન્સી સ્વેપ સમજૂતી થઈ હતી. મોઈઝઝૂની ઝોળીમાં 700 થી અધિક સામાજિક આવાસ એકમો અને રૂપે કાર્ડ નાખી દેવાયા હતા.
ભારતે પાડોશી ધર્મ નિભાવ્યો
મોઈઝઝૂએ પોતાના દેશમાં યુપીઆઈ શરૂ કરવા માટે સહાય માંગી હતી અને વડાપ્રધાને ખાતરી આપી હતી. સંયુક્ત પત્રકાર પરિષદમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારતે તો હમેશા પડોશી પ્રત્યેની જવાબદારી નિભાવી જ છે. એમણે માહિતી આપી હતી કે ડિજિટલ કનેક્ટિવિટી અને માળખાગત ક્ષેત્રના વિકાસ માટે વાતચીત થઈ છે. મુક્ત વ્યાપાર માટે ચર્ચા થઈ છે.
અનેક કરાર થયા
વડાપ્રધાને મીડિયાને કહ્યું હતું કે અમે સંરક્ષણ અને સુરક્ષા સહયોગ માટે ચર્ચા કરી છે. સોલાર ટેક્નોલોજી માટે સહકાર વધારવામાં આવશે. આ સિવાય અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે પણ વાત થઈ છે. અનેક કરાર થયા છે.
ભારતનો આભાર
આ દરમિયાન મોઈઝઝૂએ કહ્યું હતું કે ભારતે જે સહકાર આપ્યો છે તે બદલ અમે એમના આભારી છીએ. માલદિવમાં રૂપે કાર્ડ પેશ કરાયું છે અને અમે બંનેએ પ્રથમ વ્યવહાર કર્યો છે. અમે ભારત સાથે મળીને વ્યાપક વિઝન દસ્તાવેજ પર કામ કરી રહ્યા છીએ. આર્થિક, સમુદ્રી સુરક્ષા, સ્વાસ્થ્ય સહયોગ, આર્થિક ભાગીદારી અમારા એજન્ડામાં છે.