સંસદના શિયાળુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં શું થયું ? વાંચો
સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. એજન્ડા પર ચર્ચા કરવા માટે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે સત્રમાં કૂલ 15 બેઠકો થશે. ગૃહમાં મુદ્દાઓ પર સાર્થક ચર્ચા થવી જોઈએ. સરકાર દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે.
તૃણમૂલ પાર્ટીએ બેઠકમાં 6 મુદ્દા ઉઠાવ્યા હતા. પાછલા સત્રમાં પક્ષોને વિશ્વાસમાં લીધા વિના ગુપ્ત રૂપથી ખરડા મુકાયા હતા. એ જ રીતે મહુઆ મોઈત્રા અંગેનો મુદ્દો પણ ગાજ્યો હતો. બેઠકમાં 23 પાર્ટીના 30 નેતાઓ હાજર રહ્યા હતા.
બીજી બાજુ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કેશ ફોર ક્વેરી મામલે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાને બરતરફ કરી દેવા અંગેની લોકસભા એથિક્સ કમિટીની ભલામણ સામે સવાલો ઊઠાવ્યાં છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને લખેલા પત્રમાં તેમણે આ મામલે સમીક્ષા કરવાનો આગ્રહ કર્યો હતો.
વિનોદ કુમાર સોનકરના નેતૃત્વમાં એથિક્સ કમિટીએ 9 નવેમ્બરે એક બેઠક દરમિયાન રિપોર્ટ સ્વીકાર્યો હતો. તેમાં 6 સભ્યોએ મહુઆ મોઈત્રાને બરતરફ કરી દેવાનું સમર્થન કર્યું હતું અને ચાર વિપક્ષી સભ્યોએ અસંમતિ વ્યક્ત કરી હતી. આ રિપોર્ટ સોમવારે શિયાળું સત્ર દરમિયાન સંસદના નીચલા ગૃહમાં રજૂ કરાશે.
અધીર રંજન ચૌધરીએ તેમના પત્રમાં આ કાર્યવાહીની ગંભીરતા અને તેના દૂરગામી પ્રભાવનો હવાલો આપતાં મહુઆની બરતરફીની ભલામણ સામે સવાલ ઊઠાવ્યો હતો. તેમણે કહ્યું કે સંસદથી બરતરફી પણ તમે સહમત હશો સર? આ એક અત્યંત ગંભીર સજા છે. તેના વ્યાપક પ્રભાવ હોય છે. શું કોઈ સ્થાપિત પ્રક્રિયાનું પાલન કરાયું હતું? અને શું મોઈત્રાના કેસમાં કોઈ નિર્ણાયક મની ટ્રેલ સ્થાપિત કરાયો હતો?