સંસદમાં શું થયું ? વિપક્ષે કેવી માંગણી કરી ? જુઓ
લોકસભામાં ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરના મંગળવારના ભાષણને લઈને બુધવારે પણ સંસદમાં ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસ સહિતના વિપક્ષે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને માફી માંગવાની માંગ કરી હતી. દરમિયાન સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ અનુરાગ ઠાકુરના નિવેદનનો બચાવ કર્યો હતો. ઉલટાનું તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે જે કર્યું છે તેની હું નિંદા કરું છું, તેઓ દરેક સમયે જાતિની વાત કરે છે. રિજિજુએ વધુમાં કહ્યું કે શું રાહુલ ગાંધી દેશ અને સંસદથી ઉપર છે? સંસદમાં બજેટ પરની ચર્ચા દરમિયાન ભારે દેકારો રહ્યો હતો.
આ મુદ્દાને કોંગ્રેસ વધુ ચગાવી રહી છે અને અનુરાગના ભાષણનો વિડીયો શેર કરવાં અને તેના વખાણ કરવા બદલ વડાપ્રધાન મોદી સામે વિશેષાધિકાર હનન પ્રસ્તાવ લાવવાની ચીમકી અપાઈ હતી. જયરામ રમેશે એક્સ પર પોસ્ટ મૂકી કહ્યું હતું કે વડાપ્રધાને સંસદીય વિશેષાધિકારના ઘોર ઉલ્લંઘનને પ્રોત્સાહન આપ્યું છે.
આ મુદ્દા પર વિપક્ષના સભ્યો દ્વારા અનુરાગ અને સરકાર વિરુધ્ધ નારાબાજી કરાઇ હતી અને હંગામો વધી જતાં એક વાર લોકસભાની કાર્યવાહી મુલતવી રાખી દેવાઈ હતી. રાજ્યસભામાં પણ રાહુલના અપમાન સહિતના મુદ્દે અને વાયનાડ દુર્ઘટના અંગે હંગામો થયો હતો.
રિજિજુએ અનુરાગનો બચાવ કર્યો
કિરેન રિજિજુએ સંસદની બહાર મીડિયા સાથે વાત કરતા કહ્યું કે કોંગ્રેસે જે કર્યું છે તેની હું નિંદા કરું છું, તેઓ દરેક સમયે જાતિની વાત કરે છે. તેઓ મીડિયાકર્મીઓ અને સેનાના જવાનોની જાતિ વિશે પૂછે છે, કોંગ્રેસે જાતિના આધારે દેશને વિભાજિત કરવાનું કાવતરું ઘડ્યું છે. તેઓ દરેકની જાતિ વિશે પૂછતા રહે છે, પરંતુ રાહુલ ગાંધીની જાતિ પૂછી શકાતી નથી. શું તેઓ દેશ અને સંસદથી ઉપર છે? તેઓ લોકશાહી અને દેશની અર્થવ્યવસ્થાને નબળી પાડવા માંગે છે, તેઓ અરાજકતા અને હિંસા ફેલાવવા માંગે છે.