ચોમાસા અંગે હવામાન ખાતાએ શું કહ્યું ? વાંચો
દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિતના અનેક રાજ્યોમાં ભીષણ, માનવઘાતક ગરમી પડી રહી છે. અંગ દઝાડતી ગરમીને કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ત્યારે હવે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી શકે છે. આ વખતે ચોમાસું કેરળમાં નિર્ધારિત સમય કરતાં બે દિવસ પહેલા 30 મેના રોજ પહોંચ્યું હતું. હવે હવામાન વિભાગે ચોમાસું ક્યા રાજ્યોમાં પ્રવેશ કરશે તે અંગેની માહિતી આપતા અપડેટ શનિવારે બહાર પાડ્યું હતું. તેમાં એવી માહિતી અપાઈ હતી કે ચોમાસું આગળ વધી રહ્યું છે. 24 કલાકમાં કેરળમા અતિ ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ અનુસાર, ચોમાસું હવે કેરળમાંથી આગળ વધી રહ્યું છે, જે અન્ય રાજ્યોમાં વરસાદ લાવશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તરપૂર્વ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ત્રિપુરા, મેઘાલય, આસામ અને સિક્કિમના ભાગો તરફ આગળ વધી રહ્યું છે. તેમજ પશ્ચિમ બંગાળમાં ચોમાસુ પહોંચી ગયું છે અને હવે બિહારમાં પ્રવેશની તૈયારી છે.
હવામાન વિભાગની વેબસાઈટના જણાવ્યા મુજબ અત્યાર સુધી ચોમાસું આંદામાન નિકોબાર, કેરળ, લક્ષદ્વીપ અને તામિલનાડુ પહોંચી ગયું છે. 5 મી જૂને કર્ણાટક, ગોવા અને આંધ્રમાં પહોંચી શકે છે. ત્યારબાદ 10 જૂને મહારાષ્ટ્ર અને તેલંગણા પહોંચી શકે છે. 15 જૂને મધ્ય પ્રદેશ પ્રવેશ કરી શકે છે. 20 જૂને ઉત્તરપ્રદેશ પહોંચી શકે છે.
લક્ષદ્વીપ, કર્ણાટક, તમિલનાડુમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ છે. આ રાજ્યોમાં આગામી 1-2 દિવસમાં કમોસમી વરસાદની સંભાવના છે, જેનાથી લોકોને ગરમીથી રાહત મળશે. આગામી એક કે બે દિવસમાં ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં તાપમાનમાં ઘટાડો થશે, જ્યારે ઉત્તર-પૂર્વ ભારતમાં 4-5 દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે.
