યુપીમાં વડાપ્રધાને શું કહ્યું ? જુઓ
ઈન્ડિયા ગઠબંધન પર શુ આરોપ મૂક્યો ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ઉત્તર પ્રદેશના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે મિર્ઝાપુરમાં અને અન્ય શહેરોમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ને સાંપ્રદાયિક અને જાતિવાદી ગણાવ્યું હતું. તેમણે દાવો કર્યો કે વિપક્ષે મુસ્લિમોને અનામત આપવા માટે બંધારણમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાને 5 વર્ષમાં 5 વડાપ્રધાન બનાવવાના ઈન્ડિયા ગઠબંધનના પ્લાનની મજાક કરીને કહ્યું હતું કે એક ઘર બનાવવા માટે 5 કડિયા બદલાય ? તમે આવું કરો ?
મોદીએ રવિવારે મિર્ઝાપુરના મદીહાન રોડ પર બરકાછા કલાન ખાતે લોકસભાના ઉમેદવારના સમર્થનમાં રેલી યોજી હતી. આ દરમિયાન તેમણે મિર્ઝાપુર લોકસભા મતવિસ્તારમાંથી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એનડીએના ઘટક અપના દળના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ અને રોબર્ટ્સગંજના ઉમેદવાર રિંકી કોલના સમર્થનમાં આયોજિત સંયુક્ત ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. મોદીએ કહ્યું કે સમાજવાદી પાર્ટી (એસપી) – કોંગ્રેસ વોટ બેંક માટે સમર્પિત છે, જ્યારે મોદી પછાત અને ગરીબોના અધિકારો માટે સમર્પિત છે.
એમણે કહ્યું કે દેશની જનતાએ ઈન્ડિયા ગઠબંધનના લોકોને ઓળખી લીધા છે. આ લોકો કટ્ટર કોમવાદી, જાતિવાદી અને પરિવારવાદી છે. જ્યારે પણ તેમની સરકાર બનશે ત્યારે તેઓ આના આધારે નિર્ણય લેશે. ઈન્ડિયા ગઠબંધન દ્વારા પાંચ વર્ષમાં પાંચ વડાપ્રધાન બનાવવાના સંદર્ભમાં તેમણે કહ્યું કે નાનું ઘર બનાવવું પડે તો પણ કડિયા વારંવાર બદલાતા નથી.
મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન કહી રહ્યું છે કે પાંચ વર્ષમાં પાંચ-પાંચ વડાપ્રધાન હશે. મને કહો, શું કોઈ પાંચ વર્ષમાં પાંચ વડાપ્રધાન રાખે છે, તેમણે કહ્યું કે શું પોતાના પદની રક્ષા કરવામાં વ્યસ્ત વડાપ્રધાન દેશને મજબૂત બનાવી શકે છે? તેથી જનતાએ નક્કી કર્યું છે કે મજબૂત દેશ માટે વડાપ્રધાન પણ મજબૂત હોવા જોઈએ. એનડીએને જંગી જનાદેશ મળી રહ્યો છે. સપા માટે કોઈ પોતાનો મત વેડફવા માંગતું નથી.