વડાપ્રધાને અલીગઢમાં શું કહ્યું ? વાંચો
વડાપ્રધાન મોદીએ સોમવારે ઉત્તરપ્રદેશના અલીગઢમાં વિશાળ રેલીને સંબોધન કરીને કોંગ્રેસ પર અને અન્ય વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. એમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર અને પરિવારવાદ અપનાવતી પાર્ટીઓની હાલત મતદારોએ ખરાબ કરી છે અને મારી વાત માની છે.
આ પ્રકારની ફેક્ટરીઓ બનેલા પક્ષો પર તાળાં લગાવી દેવાની મે પહેલા મતદારોને અપીલ કરી હતી અને મતદારોએ એવું તાળું લગાવ્યું છે કે શહજાદાઓને તેની ચાવી જ મળતી નથી. એમ કહીને મોદીએ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ પર આડકતરો પ્રહાર કર્યો હતો.
મોદીએ મેદનીને કહ્યું હતું કે વિકસિત ભારતની ચાવી પણ તમારા જ હાથમાં છે. હવે દેશને ગરીબીથી મુક્ત કરવા અને ભ્રષ્ટાચારથી મુક્ત કરવાનો સમય આવી ગયો છે. દેશને પરિવારવાદથી મુક્ત કરાવવાનો સમય આવ્યો છે ત્યારે તેના માટે ફરી એકવાર મોદી સરકાર જરૂરી છે.
મતદાનની અપીલ કરતાં એમણે કહ્યું હતું કે દેશથી મોટું કોઈ નથી માટે તમારે સવારે જ તડકો તપે તે પહેલા જલપાન કરતાં પહેલા જ મતદાન કરવું જોઈએ. સમાજવાદી પાર્ટી પર પણ મોદીએ હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે પહેલા ગુંડારાજ હતું પણ હવે ગુંડાઓની હિંમત નથી કે તે લોકોની શાંતિનો ભંગ કરે.
