એલપીજી સિલિન્ડર અંગે મંત્રીએ શું ચોખવટ કરી ? વાંચો
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ દેશના કરોડો એલપીજી સિલિન્ડર ગ્રાહકોને રાહત આપતાં કહ્યું હતું કે ગ્રાહકોએ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. સિલિન્ડર માટે ઇ કેવાયસી કરવાની કોઈ સમય સીમા નક્કી કરવામાં આવી નથી માટે ગભરાવાની કોઈ જરૂર જ નથી. વાસ્તવિક સાચા ગ્રાહકોને કોઈ પરેશાની થવાની નથી.
એમણે કહ્યું હતું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ બોગસ ખાતાઓને સમાપ્ત કરવા માટે તેમજ કોમર્શિયલ સિલિન્ડરોને લઈને થઈ રહેલી છેતરપિંડીવાળા બૂકિંગ રોકવા માટે એલપીજી ગ્રાહકો માટે ઇકેવાયસી લાગુ કરી રહી છે. પ્લેટફોર્મ એક્સ પર મંત્રી પુરીએ આ મુજબની ચોખવટ કરી હતી.
કેરળ વિધાન સભાના વિપક્ષના નેતા દ્વારા પુરીને પત્ર લખીને આ બાબત અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું અને એમણે એવી ફરિયાદ કરી હતી કે કાયમી અને ઈમાનદાર ગ્રાહકોને ભારે તકલીફ પડી રહી છે. અનેક ગ્રાહકો આ પ્રકારની વિધિ સામે અસંતોષ પ્રગટ કરી રહ્યા છે. લોકોમાં ચિંતા ફેલાયેલી છે.
આ પત્રના જવાબમાં મંત્રીએ એક્સ પર ચોખવટ કરીને કહ્યું હતું કે વાસ્તવિક ગ્રાહકોને જ સિલિન્ડર મળે તેવી વ્યવસ્થા માટે ઇકેવાયસી કરવામાં આવી રહી છે અને આ પ્રક્રિયા છેલ્લા 8 માસથી ચાલી રહી છે. પણ લોકોએ બીજી કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી, એમને કોઈ તકલીફ પડવાની જ નથી. ડિલિવરીમેન બાટલો દેવા આવે ત્યારે કેટલીક બાબતોની ખરાઈ કરે છે. ગ્રાહકને એક ઓટીપી પણ મળે છે.