બુલડોઝર જસ્ટિસ અંગે સુપ્રીમ કોર્ટે ખેંચી દીધી લક્ષ્મણ રેખા : ડિમોલિશન અંગે સર્વોચ્ચ અદાલતે ગાઈડલાઈન કરી જાહેર
બુલડોઝર જસ્ટિસ અંગે બુધવારે સર્વોચ્ચ અદાલતે ખૂબ સ્પષ્ટ અને કડક ચુકાદો આપ્યો હતો. અદાલતે કહ્યું કે દેશમાં કાયદાનું શાસન છે. કાયદાનું શાસન ટેવ બંધારણનો મૂળભૂત હાર્દ છે અને બુલડોઝર જસ્ટિસ કાયદાવિહીનતાની યાદી અપાવે છે. જસ્ટિસ બી. વાય. ગવઇ અને કેવી વિશ્વનાથની બેંચે કહ્યું કે કોઈ વ્યક્તિ માત્ર આરોપી કે ગુનાનો દોષિત હોય એટલા જ કારણોસર તેની મિલકત તોડી ન શકાય. સાથે જ અદાલતે ડિમોલિશન કરવા માટે સ્પષ્ટ ગાઈડ લાઈન પણ જારી કરી હતી.
અદાલતે ખૂબ કડક શબ્દોમાં કહ્યું કે કાયદાની પ્રક્રિયાને અનુસર્યા વગર ડિમોલિશન કરવાનો એક્ઝિક્યુટિવ ને અધિકાર નથી. ગુનેગાર કોણ છે અને કઈ સજા આપવી તે નક્કી કરવાનું કામ એક્ઝિક્યુટિવનું નહીં પણ ન્યાય તંત્રનું છે. એક્ઝિક્યુટિવ કદી ન્યાયાધીશ ન બની શકે.
સર્વોચ્ચ અદાલતે ભારપૂર્વક કહ્યું કે ભારતનું બંધારણ કાયદાના શાસન પર આધારિત છે અને કાયદાની પ્રક્રિયાને અનુસર્યા વગર ડિમોલિશન કરવું એ કાયદા વિરુદ્ધનું કૃત્ય છે અને તે કોઈ સંજોગોમાં સ્વીકાર્ય બની શકે નહીં. આવા ગેરકાયદેસર ડિમોલિશન કરનાર અધિકારીઓને જવાબદાર ગણવા જોઈએ તેમ સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતુ.
‘ પસંદગી ‘ ના ડિમોલીશન સામે લાલ આંખ
અદાલતે કહ્યું કે જ્યારે કોઈ એક પસંદગીની મિલકતનું ડિમોલિશન કરવામાં આવે અને બાકીની એવી જ મિલકતોને સ્પર્શ પણ ન કરવામાં આવે ત્યારે ડિમોલિશનના આ પગલા પાછળ ગેરકાયદે મિલકત તોડવાનો હેતુ નહીં પણ કોઈ વ્યક્તિને વગર ટ્રાયલે જ સજા આપી દેવાનો હેતુ હોય છે. અદાલતે વિશેષમાં કહ્યું કે કોઈ એક વ્યક્તિના ગુના બદલ સામુહિક સજા ન આપી શકાય.
ડિમોલિશન અંગે સર્વોચ્ચ અદાલતે ગાઈડ લાઈન જાહેર કરી
- કોઈપણ મિલકતનું ડિમોલિશન કરતા પહેલા જરૂરી પ્રક્રિયા અંગે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ ગાઈડ લાઈન આપી હતી.
- ડિમોલિશનનો આદેશ થઈ ગયો હોય તો પણ તેને પડકારવા માટે મ્યુનિસિપાલટીના કાયદા મુજબ અથવા ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવો
- કોઈ વ્યક્તિ આદેશને પડકારવા ન માંગતી હોય તો પણ તેને સંપત્તિ ખાલી કરવા માટે પર્યાપ્ત સમય આપવો
- ડિમોલિશનની નોટિસ રજીસ્ટરડ એડીથી મોકલવી અને મિલકતની બહારના ભાગમાં ચોંટાડવી.
- એ નોટિસની બજવણી થાય તે સાથે જ તેની નકલ email દ્વારા કલેક્ટર અથવા જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવી.
- નોટિસમાં અનઅધિકૃત મિલકતનું વર્ણન તથા ક્યા કાયદા નો ભંગ થયો છે તે જણાવવું. આખી મિલકત તોડવામાં આવશે કે ચોક્કસ ભાગ તે સ્પષ્ટ જણાવવું.
- નોટિસ આપ્યા પછી સક્ષમ સત્તાવાળાઓ સમક્ષ વ્યક્તિગત હિયરિંગ કરવું. વ્યક્તિગત હિયરીંગ માટેનો સ્થળ સમય અને તારીખ જણાવવા. હિયરિંગની મિનિટ્સ લખવી.
- વ્યક્તિગત સુનાવણી બાદ ડિમોલિશનનો આદેશ કરવો પડે તો તે કયા કારણોસર એ આદેશ યોગ્ય છે તે જણાવવું. ડિમોલિશન કર્યા સિવાય કોઈ વિકલ્પ છે કે નહીં તે અંગે અભિપ્રાય આપવો.
- એ ઓર્ડર બાદ અપીલ કરવા માટે પર્યાપ્ત સમય આપવો