બંગાળમાં આરએસએસના વડા મોહન ભાગવતે ગુલામીકાળ અંગે શું કહ્યું ? વાંચો
સંઘ પરિવારના વડા મોહન ભાગવતે બંગાળના બર્ધમાનમાં એક કાર્યક્રમના સંબોધનમાં હિન્દુ એકતાને મહત્વ આપીને તેને ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક અર્થને જાળવી રાખતા એક જવાબદાર સમાજ તરીકે ઓળખાવ્યો હતો. તેમણે જણાવ્યું કે હિન્દુ સમાજ વાસુધૈવ કુટુંબકમ (વિશ્વ એક પરિવાર છે)ના સિદ્ધાંતને સમાવિષ્ટ કરીને સ્વાભાવિક રીતે વૈવિધ્યતાને સ્વીકારે છે. ભાગવતે જણાવ્યું કે ભૂતકાળની ગુલામી માટે દેશની નબળાઈ નહિ પણ આંતરિક ગદ્દારી જવાબદાર હતી.

ભાગવતે જણાવ્યું કે ભારત એક ભૌગોલિક ઓળખ કરતા ઘણુ વિશેષ છે. તેની ઓળખ સમગ્ર ઈતિહાસ દ્વારા ટકી રહેલા સહિયારા જટિલ સંસ્કારમાં મૂળ ધરાવે છે. તેમણે નોંધ કરી કે આ સારથી અળગા થયેલા કેટલાક જૂથોએ વિભાજન કર્યા, પણ બાકીનાએ આ ભાવનાને ટકાવી રાખવાનું નક્કી કર્યું.
ઐતિહાસીક ઉદાહરણો ટાંકીને ભાગવતે જણાવ્યું કે ભારતની સંસ્કૃતિ સમ્રાટો અને મહારાજાઓના સ્થાને ત્યાગ અને ફરજના મૂલ્યો સ્થાપતા ભગવાન રામ અને ભરત જેવી હસ્તીઓનું સન્માન કરે છે. તેમણે ચેતવણી આપી કે પડકારો હજી પણ છે, પણ તેનો સામનો કરવાની સમાજની તૈયારી મહત્વની છે.
ભારતના ઈતિહાસ પર મંથન કરતા ભાગવતે ભૂતકાળના વિદેશી શાસન માટે બાહ્ય શ્રેષ્ઠતાના સ્થાને આંતરિક વિશ્વાસઘાતને જવાબદાર માન્યો. તેમણે બ્રિટિશે ભારતની રચના કરી તેવા અભિગમને ફગાવી દેતા કહ્યું કે ભારતની એકતા બ્રિટિશ રાજ કરતા પહેલાની છે. તેમણે મહાત્મા ગાંધીની માન્યતાને દોહરાવી હતી કે ભારત કાયમ વૈવિધ્યસભર છતાં એકીકૃત સંસ્કૃતિ રહી છે.